અટલ બિહારી વાજપેયી સહિત આ લોકોના નામ પર રાખવામાં આવશે DUની નવી કોલેજોનું નામ, સરકારે આપી મંજુરી
દિલ્હી યુનિવર્સિટીની (Delhi University) નવી કોલેજો અને કેન્દ્રોના નામ અંગે માહિતી આપવામાં આવી છે. આ કોલેજો દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
દિલ્હી યુનિવર્સિટીની નવી કોલેજો અને કેન્દ્રોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. અટલ બિહારી વાજપેયી, અરુણ જેટલી, અમર્ત્ય સેન અને સાવિત્રી બાઈ ફુલેના નામ એવા લોકોમાં સામેલ છે જેમના નામ પર આ કોલેજો અને કેન્દ્રોનું નામ રાખી શકાય. Delhi Universityની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ગયા વર્ષે એક ઠરાવ પસાર કર્યો હતો કે આગામી કોલેજો અને કેન્દ્રોનું નામ સ્વામી વિવેકાનંદ, સુષ્મા સ્વરાજ, વીડી સાવરકર અને સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર રાખવામાં આવશે.
આ નિર્ણય પર લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રાલયે અન્ય નામો પણ સૂચવ્યા હતા. અટલ બિહારી વાજપેયી, સાવિત્રીબાઈ ફૂલે, અરુણ જેટલી, ચૌધરી બ્રહ્મ પ્રકાશ, સી.ડી. દેશમુખ અને પ્રોફેસર અમર્ત્ય સેનનાં નામ સૂચવ્યાં. કાઉન્સિલે કહ્યું કે, ડીયુના વાઇસ ચાન્સેલર આ નામોને અંતિમ રૂપ આપશે.
કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યો હતો આ પ્રશ્ન
કેરળના કોંગ્રેસના સાંસદ કોડીકુન્નીલ સુરેશે આ નિર્ણય પર લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નમાં, તેમણે પૂછ્યું હતું કે, શું સરકાર ‘લેગસી વ્યક્તિઓના નામ પર કૉલેજનું નામ રાખવાની નીતિ’ પર ફરીથી વિચાર કરવાનો પ્રસ્તાવ મૂકે છે કે નહીં? તેમણે પૂછ્યું કે, શું સરકારે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને ટાળવા માટે કોઈ વ્યવસ્થા કરી છે.
આના પર મંત્રાલયે, સુરેશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, DU તેના વૈધાનિક સંસ્થાઓની મંજૂરી સાથે તમામ શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો લેવા માટે સક્ષમ છે.
ક્યાં બનશે નવી કોલેજો
દિલ્હી યુનિવર્સિટી નવી કોલેજો શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલાં તરીકે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે બે સુવિધા કેન્દ્રો સ્થાપવા પર કામ કરી રહી છે. નજફગઢ અને ફતેહપુર બેરી ખાતે ડીયુને ફાળવેલી જમીનના પ્લોટ પર બે કેન્દ્રો સ્થાપવાની દરખાસ્ત છે.