Indian Students : ભારતીયોને લાગ્યો છે વિદેશનો ચસ્કો, 30 લાખથી વધુ લોકો ભણવા માટે વિદેશ ગયા, સરકારે આપી માહિતી

ભારતમાંથી વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 6 વર્ષમાં 30 લાખથી વધુ ભારતીયો વિદેશ ગયા છે.

Indian Students : ભારતીયોને લાગ્યો છે વિદેશનો ચસ્કો, 30 લાખથી વધુ લોકો ભણવા માટે વિદેશ ગયા, સરકારે આપી માહિતી
Indians Abroad
| Edited By: | Updated on: Feb 07, 2023 | 8:23 AM

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, છેલ્લા વર્ષમાં વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે લોકસભામાં ખુલાસો કર્યો છે કે 2021ની સરખામણીમાં 2022માં લગભગ 3 લાખ વધુ વિદ્યાર્થીઓ વિદેશ શિક્ષણ માટે દેશની બહાર ગયા છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, 2017 થી 2022 દરમિયાન ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા 30 લાખથી વધુ રહી છે. આ માહિતી કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે JD(U) સાંસદ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ અને અન્ય લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં શેર કરી હતી.

આ પણ વાંચો : ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Alert, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીએ કહ્યું, ‘ગૃહ મંત્રાલયના ઈમિગ્રેશન બ્યુરો ભારતીયોના પ્રસ્થાન અને આગમનના ડેટાનું સંચાલન કરે છે પરંતુ ઉચ્ચ શિક્ષણના હેતુ માટે વિદેશમાં જતા ભારતીયોની કેટેગરી અંગે કોઈ ઈન્ડેક્સ નથી. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જતા ભારતીયોનો હેતુ તેમના ગંતવ્ય દેશના વિઝાના પ્રકાર પર આધારિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સમયે તેમના દ્વારા મૌખિક રીતે અથવા મેન્યુઅલી દાખલ કરવામાં આવે છે.

છેલ્લા 6 વર્ષની વિગતો નીચે મુજબ છે –

  • વર્ષ 2017માં લગભગ 4 લાખ 54 હજાર 9 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
  • વર્ષ 2018માં 5 લાખ 17 હજાર 998 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
  • વર્ષ 2019માં 5 લાખ 86 હજાર 337 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
  • વર્ષ 2020માં 2 લાખ 59 હજાર 655 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
  • વર્ષ 2021માં 4 લાખ 44 હજાર 553 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહી આ વાત

છેલ્લા વર્ષ 2022માં વિદેશમાં અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે અને કુલ 7 લાખ 50 હજાર 365 વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે લોકસભામાં માહિતી આપી છે કે, દર વર્ષે વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અંદાજિત ખર્ચની કોઈ વિગત નથી.

પરંતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, યુજીસીએ વિદેશી યુનિવર્સિટીઓના ભારતીય કેમ્પસ ખોલવા અંગે એક નિયમનો મુસદ્દો તૈયાર કર્યો છે અને તમામ સ્ટેકહોલ્ડર્સનો અભિપ્રાય માંગ્યો છે, જેની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. એકવાર સ્ટેકહોલ્ડર્સના અભિપ્રાય પ્રાપ્ત થયા પછી કેન્દ્ર સરકાર અને UGC ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.