
ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા અને આત્મહત્યા નિવારણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ અને પરીક્ષાના પરિણામોનું દબાણ ઘટાડવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિયમોના વિશેષ સુધારા અનુસાર હવે ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓનું જાહેરમાં અપમાન કરી શકાશે નહીં. એટલું જ નહીં, ઓછા માર્ક્સના આધારે વિદ્યાર્થીઓની અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરવા કે વર્ગખંડમાં અલગ બેસાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા નિયમો અનુસાર શાળાઓમાં પરીક્ષામાં ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની સામે ઉતારી પાડવા, તેમનું અપમાન કરવા કે વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે તેમની સરખામણી કરવા જેવી પ્રવૃત્તિઓ ચલાવી શકાશે નહીં. પરિણામના આધારે વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ કરીને તેમને વર્ગખંડમાં અલગ બેસાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ, માનસિક તણાવ અને નિરાશા ઊભી થતી અટકાવવાનો છે.
શિક્ષણ વિભાગના નવા નિયમ મુજબ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ધરાવતી દરેક શાળામાં ‘સ્કૂલ વેલનેસ ટીમ’ બનાવવી ફરજિયાત રહેશે. આ ટીમ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખશે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, હતાશા, ભય અને અસામાન્ય વર્તનનાં શરૂઆતનાં લક્ષણો ઓળખીને સમયસર જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી ટીમની રહેશે.
વિદ્યાર્થીઓને એકબીજાની મુશ્કેલીઓ સમજવામાં અને યોગ્ય મદદ મેળવવામાં સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા ‘મનો-મિત્ર’ પહેલ પણ અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓમાંથી જ લીડરની પસંદગી કરવામાં આવશે. આ લીડર પોતાના સહપાઠીઓની સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાંભળશે તેમજ જરૂર જણાય ત્યારે તે બાબત શિક્ષક અથવા શાળાના કાઉન્સેલર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
નવા નિયમોમાં શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત નિષ્ણાતોની ઉપલબ્ધતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે શાળાઓમાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે ત્યાં લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિમણૂક કરવી ફરજિયાત રહેશે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ, પરીક્ષાનાં પરિણામો, વ્યક્તિગત સમસ્યાઓ અને માનસિક તણાવ જેવી બાબતોમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી શાળાઓમાં માત્ર શૈક્ષણિક પરિણામો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને પણ મહત્વ મળશે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવા એ જીવનની નિષ્ફળતા નથી તેવો સકારાત્મક અભિગમ કેળવવા અને વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.