NEET PG 2024 પરીક્ષાની નવી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. NEET PG 2024 પરીક્ષા, આગામી 11 ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. NEET PG 2024 પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા સીબીટી સ્વરૂપમાં લેવામાં આવશે.
NEET PG 2024 ની પરીક્ષા પહેલા 23 જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પરીક્ષાની નવી તારીખ 11 ઓગસ્ટના રોજ યોજવાની જાહેર કરવામાં આવી છે. NEET PG 2024ના પરીક્ષાર્થીઓ અધિકૃત વેબસાઇટ natboard.edu.in મા જઈને બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરીક્ષા અંગેના સૂચનાને ચકાસી શકે છે.
દર વર્ષે દેશભરમાં લગભગ 52,000 મેડિકલ PG બેઠકો માટે લગભગ બે લાખ MBBS સ્નાતકો NEET PG માટે પરીક્ષા આપે છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર, જૂનમાં યોજાનાર પરીક્ષા રદ કરવામાં આવી હતી, કારણ કે મંત્રાલય પરીક્ષા પ્રક્રિયાની મજબૂતતાને ચકાસવા અને પ્રક્રિયામાં કોઈ નબળાઈઓ ના રહે તેની ખાતરી કરવા માંગતુ હતું.
NEET PG 2024 ની પરીક્ષા અગાઉ 3 માર્ચે યોજાવાની હતી, પરંતુ તેને 7 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ લોકસભાની સામાન્ય ચૂંટણીઓને કારણે, NEET PG પરીક્ષાની તારીખ 23 જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. આ પરીક્ષા પણ મોકુફ રાખવામાં આવી હતી. જેની જાહેરાત પરીક્ષાના એક દિવસ પૂર્વે મોડી સાંજે 22 જૂનના રોજ કરવામાં આવી હતી.
Published On - 2:49 pm, Fri, 5 July 24