
ગરબા કરી રહેલા નાના બાળકોને જોઈને સૌપ્રથમ નજરે એવું લાગે કે જાણે કોઈ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હોય. વાત થોડીઘણી સાચી પણ છે, કારણ કે આ સ્થળ સ્કૂલ જ છે અને અહીં ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો છે. પરંતુ આ કાર્યક્રમ સામાન્ય નથી, અહીં બાળકો ગરબા રમવા માટે નહીં, પરંતુ આવે છે ગરબાની પરીક્ષા આપવા.
હા, આ અનોખી પહેલ હેઠળ બાળકો ગરબા રમતા રમતા પરીક્ષા આપી રહ્યા છે. તેઓના પરફોર્મન્સને આધારે તેમને માર્ક્સ આપવામાં આવશે અને તેનું મૂલ્યાંકન કરીને પરિણામ પણ જાહેર કરવામાં આવશે. દેશભરમાં કદાચ પહેલી વાર આવી અનોખી ગરબાની પરીક્ષા યોજાઈ છે, જે મુંબઈમાં આયોજિત કરવામાં આવી.
આ પરીક્ષાનું આયોજન સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરનો સહયોગ મળ્યો છે. ગરબાને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સ્થાન મળ્યા બાદ પહેલી વાર આ રીતે પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગરબા રમીને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું, જ્યારે 30 માર્ચે મૌખિક પરીક્ષા યોજાનાર છે.
પ્રથમ બેચમાં ઘાટકોપરના રામજી આશર વિદ્યાલયની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓના ચોથા ધોરણના કુલ 357 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા શૈલીમાં પ્રદર્શન કરી પરીક્ષા આપી હતી, જે એક નવીન અને રસપ્રદ અનુભૂતિ બની.
સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સના જિગર સોની અને સુહૃદ સોનીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ ગરબાને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવવું ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. આ પગલાથી વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિ સાથે વધુ નજીકથી પરિચિત થઈ રહ્યા છે.
હાલમાં લગભગ 14 શૈક્ષણિક સંસ્થાઓમાં દર અઠવાડિયે એક પિરિયડ ગરબાને ફાળવવામાં આવે છે, જેમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે ગરબા શીખી રહ્યા છે. આ વર્ષે પહેલીવાર આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ છે, જેને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
ગરબા એક ગ્રુપ ડાન્સ હોવાને કારણે વિદ્યાર્થીઓને 12 થી 16ના ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. પરીક્ષા કુલ 50 માર્કની રાખવામાં આવ્યા છે, જેમાં અડધો કલાક પ્રેક્ટિકલ અને મૌખિક બંને ભાગ સામેલ છે. ખાસ વાત એ છે કે આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડના પરિણામમાં 3% બોનસ માર્ક્સ પણ આપવામાં આવશે.
આ પહેલને લઈને વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓએ માત્ર પરીક્ષા તરીકે નહીં, પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવાના એક પ્રયત્ન તરીકે આ પ્રવૃત્તિને સ્વીકારી છે. મુંબઈની મીઠીબાઇ કોલેજ, NM કોલેજ, ઠાકુર કોલેજ, વિવેક કોલેજ ગોરેગાંવ, અમૂલક અમીચંદ સ્કૂલ માટુંગા જેવી સંસ્થાઓમાં પણ હવે ગરબાને વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જે આ પરંપરાગત નૃત્યને નવી ઓળખ આપી રહ્યું છે.
રાત્રે અંતર, દિવસે પ્રેમ! ભારતમાં ‘સ્લીપ ડિવોર્સ’ કેમ ઝડપથી વધી રહ્યો છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!