સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) 2024 પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવી શકે છે. પરીક્ષા 14મી ડિસેમ્બરે લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 1લી ડિસેમ્બરે યોજાવાની હતી જે બાદમાં બદલીને 15મી ડિસેમ્બર કરવામાં આવી હતી.
જો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની નવી સૂચના અનુસાર કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે CTET પરીક્ષાની તારીખ ફરી એકવાર 14 ડિસેમ્બર કરવામાં આવી છે. આ પરીક્ષા 136 શહેરોમાં લેવાશે.
જો કે જે શહેરોમાં ઉમેદવારોની સંખ્યા વધુ છે ત્યાં CTET પરીક્ષા પણ 15 ડિસેમ્બરે લેવામાં આવી શકે છે. એકવાર પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર થઈ જાય ઉમેદવારો તેને CTET ની ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.
ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેઓનું એડમિટ કાર્ડ અને માન્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઓળખ કાર્ડ જેમ કે આધાર અથવા પાન કાર્ડ પરીક્ષા ખંડમાં લઈ જવાનું જરૂરી છે.
ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી જેવી કે ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્રનું નામ અને પેપરનો સમય કાળજીપૂર્વક ચેક કરો અને જો એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ જણાય તો તરત જ અધિકારીઓને જાણ કરવી.
CTET 2024ની પરીક્ષા બે પેપરમાં લેવામાં આવશે. પેપર 2 ની પરીક્ષા સવારે 9:30 થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. જે ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે છે, જ્યારે પેપર 1 ની પરીક્ષા બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી લેવામાં આવશે, જે ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે છે. જે ઉમેદવારોએ બંને પેપર માટે અરજી કરી છે તેઓએ બંને પેપર માટે હાજર રહેવાનું રહેશે.
વધુ માહિતી માટે ઉમેદવારો CTET ctet.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.