અમદાવાદના (Ahmedabad)ઘાટલોડિયા (Ghatlodia)આવેલી ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ (Tripada English School)ફી બાબતે મનમાની કરે છે. એફઆરસી કમિટીએ (FRC Committee)ગત વર્ષની ફી 1 થી 8 ધોરણ પ્રમાણે 22000 થી 25000 જેટલી મંજુર કરી હતી. પરંતુ સ્કૂલ સંચાલક મનમાની કરીને ફી 40000 થી 45000 સુધીની માંગે છે. જે વાલીઓ એફ.આર.સી પ્રમાણેની ફી આપવાનું કહે છે તેમના બાળકોને માનસિક રીતે હેરાન કરવા ભણતર બંધ કરવું શાળામાંથી કાઢી મૂકવા વગેરે જેવું કહીને અપમાનિત કરવામાં આવે છે.
સ્કૂલ વિરોધ ઘણી ફરિયાદો deo કચેરી બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને FRCમાં પેન્ડિંગ છે. જેનું કોઈ નિરાકરણ આજદિન સુધી નથી મળ્યું. જેના કારણે સ્કૂલ સંચાલક બેફામ બનીને ફી માંગી રહ્યા છે. ગુજરાતના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ઘાટલોડિયાના ધારાસભ્ય તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સ્કૂલના વાલીઓ ફરીયાદ કરે છે કે આવા કાયદાનું પાલન ન કરતા સંચાલકોને કડક સજા થવી જોઈએ.
આજે પણ સ્કૂલનું વર્તન બેફામ રહ્યું હતું, FRC પ્રમાણે ફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો
વાલીઓએ આ બાબતે વસ્ત્રાપુર DEO બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર પોલીસ કમિશનર શાહીબાગ અમદાવાદ તથા ચેરમેન એફઆરસી કમિટી ગાંધીનગરને પણ ફરિયાદ કરેલી છે. અને માંગ કરેલી છે કે સરકારના નિયમોને ન માનતી બાળકોને હેરાન કરતી આવી શાળાની માન્યતા રદ કરવામાં આવે તથા સ્કૂલ પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી ઉપર ફરિયાદ દાખલ કરી કડક પગલાં ભરવામાં આવે.
સ્કૂલ દ્વારા અગાઉ પણ વાલીઓને જણાવ્યા વિના ગુજરાત બોર્ડનું સીબીએસઈ બોર્ડમાં રૂપાંતર કરેલી છે. જેની ફરિયાદ પણ ડીઇઓ કચેરીમાં કરેલી છે જેનો આજ દિન સુધી કોઈ જવાબ મળેલો નથી. બાળકોના ભણવાના અધિકાર RTE 2009નું પાલન ન થતું હોવાને લઈને બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરથી કોઈ જવાબ ન મળવાને કારણે તે સમયે વાલીઓએ NCPCR દિલ્હી કેન્દ્રીય બાળવિભાગને ફરિયાદ કરેલી હતી. જેના લીધે દિલ્હી NCPCR આયોગે કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ બાબતે તપાસ કરી પગલાં ભરવાનું જણાવેલ હતું. જેનો આજ દિન સુધી કોઇ જ જવાબ મળેલ નથી.
સ્કૂલના વાલીઓનો આક્ષેપ છે કે આખું તંત્ર જાણે ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયું હોય અને વાલીઓ તથા બાળકોને કોઈ ચિંતા જ ન હોય તે રીતે તેમના વિરોધમાં વધી રહ્યું છે. અને આ કેસમાં સંચાલક દ્વારા ભ્રષ્ટાચાર કરી લાગતી વળગતી કચેરીઓના અધિકારીઓ સાથેના મેળાપણાથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવેલ છે. જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો શા માટે શિક્ષણ વિભાગની તથા બાળ અધિકારની કચેરીઓએ સંચાલક ઉપર કોઈ એક્શન નથી લીધી એવો વેધક સવાલ પણ વાલીઓ પૂછી રહ્યા છે. આગામી દિવસોમાં જો સ્કૂલ FRC પ્રમાણે ફી નહીં સ્વીકારે તો સ્કુલનો વિરોધ કરવામાં આવશે.
અહીં એફઆરસી કમિટીનુ વર્તન પણ શંકાસ્પદ છે વર્ષ પતવા આવ્યું છતાં શા માટે સ્કૂલોની ફી નક્કી નથી કરવામાં આવતી? જ્યારે કોરોના ના કારણે સ્કૂલો ઓનલાઇન જ ચાલુ રહી છે તેવા સંજોગોમાં શા માટે સ્કૂલોને ફી વધારો મંજૂર કરવામાં આવે છે. એફઆરસી કમિટી સ્કૂલોની ફી જાહેર ન કરીને સંચાલકોને મનમાની ફી વસૂલવાની વ્યવસ્થા કરી આપી રહી છે. સમગ્ર ગુજરાતની સ્કૂલોની ફી ગયા વર્ષ પ્રમાણે જે હતી તે જ ફી નક્કી કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનો ફી વધારો આ વર્ષે મંજુર ન થવો જોઇએ તેવી પણ ત્રિપદા ઈંગ્લિશ સ્કૂલના વાલીઓની શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત છે.
આ પણ વાંચો : CBSE બોર્ડની પરીક્ષા ઓફલાઇન લેવાશે, બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભાઇ
આ પણ વાંચો : Ahmedabad: કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, પાલડી પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો