Rajkot : થોરાળા વિસ્તારમાં યુવકની હત્યા, દુકાન પાસે ગાંજો પીવાની ના પાડતા 3 શખ્સએ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
પાનનો ગલ્લો ચલાવતા યુવકને 3 જેટલા શખ્સોએ આવીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Rajkot : થોરાળા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં રાજકોટ ડેરી નજીક આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટર નજીક યુવકની ધોળા દિવસે હત્યા થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પાનનો ગલ્લો ચલાવતા યુવકને 3 જેટલા શખ્સોએ આવીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 35 વર્ષીય યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો Watch: રાજકોટના ગોંડલમાં દુ:ખદ ઘટના, હીંચકામાંથી પટકાતા બાળકનું મોત, જુઓ Video
ગાંજો પીવાની ના પાડતા થઈ હતી માથાકૂટ
સમગ્ર બનાવની વાત કરીએ તો 15 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યા આસપાસ મૃતક વિજય બાબરીયાની પાનના ગલ્લા નજીક ત્રણેક જેટલા શખ્સો ગાંજો પી રહ્યા હતા અને ગાળો બોલી રહ્યા હતા. વિજયે આ ત્રણેય શખ્સોને ગાંજો પીવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાયા હતા અને વિજયને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે કાલે તને જોઈ લેશું અને આજે સવારે 11 વાગ્યા આસપાસ ત્રણથી ચાર જેટલા શખ્સો આવીને વિજય પર છરી વડે હુમલો કર્યો હતો.
વિજયને આ શખ્સોએ ગળા, છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતા વિજય ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં વિજયના ભાઈ અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને વિજયને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિજયની હત્યા નીપજાવનાર આ ત્રણેય શખ્સ કોણ હતા તેની આજુબાજુના લોકોને ખ્યાલ નહોતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ યુવકો તેમના વિસ્તારના નહોતા. ત્યારે પોલીસે હત્યા નીપજાવનાર આ અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
2 દિવસમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 દિવસમાં હત્યાના 2 ગુના નોંધાયા છે. જેમાં પ્રથમ ગુનામાં ધમલપર ગામ પાસે રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા નીપજાવવામાં આવી છે, જ્યારે અન્ય બનાવમાં કુવાડવા ગામે ગરબી ચોકમાં યુવતી મામલે વિવાદમાં યુવકને તેના જ મિત્રએ પાઇપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો