મહેસાણાના (Mehsana) ઉનાવા ગામની શાળામાંથી વનરક્ષકની ભરતીનું પેપર લીક( Vanrakshak Paper Leak )થવાના પ્રકરણમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. નિરીક્ષક ડૉ.અંતિક પટેલે ઉનાવા પોલીસ મથકે 8 લોકો સામે ફરિયાદ (Police Complain) નોંધાવી છે. જે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ, અલ્પેશ પટેલ, જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી, મનીષા ચૌધરી, રવિ મકવાણાનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાંના રાજુ, સુમિત, ઘનશ્યામ અને અલ્પેશ પટેલે ભેગા મળીને કાવતરું રચ્યું હતું. તેઓએ પ્રશ્નપત્રના ફોટો પાડી વોટ્સએપથી મૌલિક, જગદીશ, મનીષા અને રવિ મકવાણાને જવાબો આપ્યા હતા. ત્યારબાદ ફોટો ડિલિટ કરી દીધા હતા. એટલું જ નહીં જવાબો લખેલો કાગળ સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો.
આરોપીઓમાં કોણ કયા હોદ્દા પર છે તેના પર નજર કરીએ તો રાજુ ચૌધરી શાળાનો શિક્ષક છે. અલ્પેશ પટેલ પરીક્ષામાં સુપરવાઈઝર હતો. ઘનશ્યામ પટેલ શાળાનો પટાવાળો છે..જ્યારે મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી, મનીષા ચૌધરી, રવિ મકવાણા અને સુમિત ચૌધરી પરીક્ષાર્થી છે.
27 માર્ચે બપોરે 12 વાગ્યે પેપર શરૂ થવાનું હતું. પરંતુ સવારે 9થી 9.30 દરમિયાન શિક્ષક રાજુ ચૌધરી તેની મોટરસાઈકલ પર પરીક્ષાર્થી સુમિત ચૌધરીને લઈ શાળામાં પ્રવેશ્યો હતો. એટલે કે 3 કલાક પહેલા જ પરીક્ષાર્થીને શાળામાં એન્ટ્રી મળી ગઈ હતી. શિક્ષક રાજુએ સુમિતને અગાશી પર બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ રાજુએ પટાવાળા ઘનશ્યામ પટેલને પેપરના ફોટો પાડવા કહ્યું હતું. પટાવાળા ઘનશ્યામ પટેલે રૂમ નં.7માં સુપરવાઈઝર અલ્પેશ પટેલ પાસે જઈ ગેરહાજર ઉમેદવારના પેપરના ફોટો પાડ્યા હતા અને પેપરના ફોટો અગાશી પર બેસેલા સુમિતને આપ્યા હતા. સુમિતે અગાશી પર બેસીને જ કાગળ પર જવાબો લખ્યા હતા અને જવાબો લખેલો કાગળ સુમિતે શિક્ષક રાજુ ચૌધરીને આપ્યો હતો. રાજુએ પટાવાળા ઘનશ્યામ પટેલ પાસે કાગળની 4 થી 5 ઝેરોક્ષ કઢાવી હતી.
જવાબો લખેલી 4થી 5 ઝેરોક્ષ કોપી ચાર પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન જ પહોંચાડવામાં આવી હતી. પટાવાળા ઘનશ્યામે એક ઝેરોક્ષ રૂમ નં. 7માં પરીક્ષાર્થી મનીષા ચૌધરીને સુપરવાઈઝર અલ્પેશ પટેલની હાજરીમાં જ આપી હતી. જેને લઈ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. મામલો શાંત કરવા શિક્ષક રાજુએ અન્ય પરીક્ષાર્થીઓને પણ 4-5 જવાબો લખાવ્યા હતા. આ દરમિયાન સુપરવાઈઝર અલ્પેશ રૂમની બહાર ઉભો હતો. જ્યારે પરીક્ષાર્થી મૌલિક, જગદીશ અને રવિને અગાઉથી નક્કી કર્યા મુજબ બપોરે દોઢ વાગ્યે ઝેરોક્ષ કોપી મળી હતી. શિક્ષક રાજુએ નક્કી કર્યા મુજબ ત્રણેય પરીક્ષાર્થીઓ પાણી પીવાના બહાને ઝેરોક્ષ કોપી લેવા દાદર પાસે આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા.
આ દરમિયાન અન્ય પરીક્ષાર્થીઓ રવિ મકવાણાને કાપલીમાંથી જવાબો લખતા જોઈ ગયા હતા. જેથી તેઓએ હોબાળો કર્યો હતો અને તે રૂમના સુપરવાઈઝર કલ્પના ચૌધરીને જાણ કરી હતી. કલ્પના ચૌધરી દ્વારા આ મામલે કોપી કેસ પણ કરવામાં આવ્યો હતો. ભાંડો ફૂટી જવાના ડરથી પરીક્ષાર્થી સુમિત ચૌધરીએ મોબાઈલમાંથી ફોટો ડિલિટ કર્યા હતા અને શિક્ષક રાજુના કહેવાથી પટાવાળા ઘનશ્યામે જવાબોની ઝેરોક્ષ સળગાવી દીધી હતી. આમ આરોપીઓએ પુરાવાનો પણ નાશ કર્યો હતો.
આ પણ વાંચો-
આ પણ વાંચો-