માસીના પ્રેમમાં ગળાડૂબ ભાણીયાની માસાએ કરી હત્યા, અનૈતિક સંબંધો બન્યા હત્યાનું કારણ
કમલેશ ઉર્ફે શિવપુરંદન અને નિર્મોહિલાલ બંન્ને કૌંટુબિક માસા-ભાણેજ થાય છે અને બંન્ને ઉત્તરપ્રદેશમાં એક જ ગામમાં રહે છે.નિર્મોહિને કમલેશની પત્નિ સાથે અનૈતિક સબંઘો હતા, જેની જાણ કમલેશને થઇ ગઇ હતી.
RAJKOT : રાજકોટમાં અનૈતિક સંબંધો હત્યાનું કારણ બન્યા છે. માસીના પ્રેમમાં ગળાડૂબ ભાણીયાની માસાએ હત્યા કરી નાખી. અનૈતિક સંબંધોને કારણે આખરે પ્રેમી ભાણીયાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગત 15મી સપ્ટેમ્બરના રોજ રાજકોટના 150 ફુટ રિંગરોડ પર હત્યા કરાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.મૃતકે પહેરેલા કપડાંમાં એવી કોઇ ચીજવસ્તુ ન હતી જેના પરથી મૃતકની ઓળખ થાય. પરંતુ મૃતકના ખીસ્સામાંથી એક મોબાઇલનું બિલ મળ્યું હતુ પોલીસે જ્યારે આ અંગે તપાસ કરી ત્યારે આ મોબાઇલનું બિલ પણ અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું. જેના આધારે પોલીસે પરપ્રાંતિય શ્રમિકોના કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આ વ્યક્તિનું નામ નિર્મોહીલાલ હોવાનું સામે આવ્યું.જો કે હવે પોલીસ માટે કોયડો એ હતો કે આ શખ્સની હત્યા કોણે અને શા માટે કરી નાખી.
પોલીસે નિર્મોહીલાલ જે કારખાનામાં કામ કરતા હતા ત્યાં પુછપરછ કરી અને બલરામપુરા જિલ્લામાંથી આવતા શ્રમિકોની પુછપરછ કરતા પોલીસને એક મહત્વની કડી મળી. નિર્મોહીલાલને તેના જ ગામમાં રહેતા શીવપુરંદન નામના શખ્સ સાથે ઝઘડો ચાલતો હોવાની માહિતી મળી. પોલીસે જ્યારે શીવપુરંદનની આગવી ઢબે પુછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને બે સગીર સાથીઓ સાથે મળીને નિર્મોહીલાલની હત્યાની કબુલાત કરી હતી.
રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે કમલેશ ઉર્ફે શિવપુરંદન અને નિર્મોહિલાલ બંન્ને કૌંટુબિક માસા-ભાણેજ થાય છે અને બંન્ને ઉત્તરપ્રદેશમાં એક જ ગામમાં રહે છે.નિર્મોહિને કમલેશની પત્નિ સાથે અનૈતિક સબંઘો હતા, જેની જાણ કમલેશને થઇ ગઇ હતી. થોડા સમય પહેલા પોતાના વતનમાં નિર્મોહિ અને કમલેશ મળ્યા હતા અને કમલેશે નિર્મોહીને “મારી પત્નિને ફોન કેમ કરે છો?” તેવું કહીને ઝઘડો પણ કર્યો હતો. ગત 15મી તારીખે જ્યારે નિર્મોહિ શાકભાજી લેવા માટે ગયો હતો ત્યારે કમલેશે તેનો પીછો કર્યો હતો અને લાઇટ ન હતી તેવી જગ્યા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતુ અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતા.
હાલમાં પોલીસે હત્યારા કમલેશ અને તેની સાથે રહેલા બે સગીરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા કમલેશે જન્માષ્ટમી પર્વ પર નિર્મોહિની હત્યા કરવા તીક્ષ્ણ હથિયારની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે.હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ઘરી છે અને હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.