સુરતથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. સુરત પોલીસે (Surat Police) રૂપિયા 500 ના દરની 398 બનાવટી ચલણી નોટ (Fake Currency) સાથે એક ઇસમની ધરપકડ કરી છે. સુરતના પલસાણા તાલુકાના દસ્તાણ ગામે આવી ફેક કરન્સી બનાવવામાં આવતી હોવાની માહિતી બહાર આવી છે. આ જગ્યાએ નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન લક્ષ્મણ પુરોહિત નામનો શખ્સ નકલી નોટ બનાવતા રંગે હાથે ઝડપાયો હતો. આ શખ્સ પાસેથી પોલીસે 398 નકલી નોટ કબજે કરી હતી.
રંગે હાથ ઝડપ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને પ્રિન્ટર, કોમ્પ્યુટર, મોબાઈલ જેવા સાધનો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અગાઉ કેટલી નોટ બનાવટી છાપી હતી તેમજ તેને ક્યાં ક્યાં આપી હતી તે અંગે પોલીસ તપાસ કરશે.
જાહેર છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અમદાવાદમાં નકલી નોટોનું નેટવર્ક સામે આવ્યુ હતું. રામોલ પોલીસે નકલી નોટો કારોબાર પર્દાફાશ કર્યો હતો. તેમજ નકલી નોટો સાથે એક મહિલા સહીત 3 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: દંડથી બચવા ટ્રાફિક રખેવાળને જ 800 મીટર સુધી કાર સાથે ઢસડ્યો, ચોંકાવનારો વિડીયો આવ્યો સામે