સુરતના લિંબાયત વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભપાત કરાવીને નવજાત ભ્રૂણને ફેંકી દેવાના મામલામાં પોલીસે બાળકના માતા-પિતાની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે માતા-પિતાને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે. ભ્રુણને ફેંકવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેને આધારે પોલીસે શિખા હોસ્પિટલની નર્સની ધરપકડ કરાઈ હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રણછોડ નગર ખાતે ખાડી કિનારે આવેલા શિખા હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી આવેલ દંપત્તિનું ગર્ભપાત કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી આવેલા આ દંપતી દ્વારા ગર્ભપાત કરાવડાવ્યું હતું. દંપતીએ સુરતના લિંબાયતમાં આવીને ગર્ભપાત કરાવ્યા બાદ બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવી રવાના થઈ ગયા હતા. ત્યારે લિંબાયત પોલીસે મહારાષ્ટ્ર જઈ બાતમીને આધારે બાળકના જન્મ પહેલા જ ગર્ભપાત કરાવી ભ્રુણની હત્યા કરનાર માતા કાન્હોપાત્રા પઠાડે અને પિતા જ્ઞાનેશ્વર પઠાડે ની ધરપકડ કરી છે.
લિંબાયતમાં ખાડી કિનારે આવેલ શિખા હોસ્પિટલમાંથી સામે ગત 17 માર્ચને શુક્રવારના રોજ ભ્રુણને ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં લિંબાયત પોલીસે મહારાષ્ટ્રથી બાળકના માતા પિતા ની ધરપકડ કરી છે. ત્યારે માતા પિતાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના બાભુલગાંવ ખાતે રહે છે. પતિ પત્ની બંને મહારાષ્ટ્રમાં મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. બંનેને પરિવારમાં ત્રણ બાળકો છે. જેનું ભરણપોષણ મજૂરી કામ કરીને કરી રહ્યા છે. ત્યારે એક પણ બાળક ન જોઈતું હોવાથી તેઓ ગર્ભપાત કરાવવા ઇચ્છતા હતા.
મહારાષ્ટ્રમાં તેમને પકડાઈ જશે કે પોલીસ હેરાન કરશે તેઓ ડર સતાવતો હતો. જેને લઇ સંબંધી નો સંપર્ક કરીને લિંબાયત ની શિખા હોસ્પિટલ નો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ ગત 17 માર્ચના રોજ સુરત આવીને પત્ની કાન્હો પાત્રા પઠાડેનો ગર્ભપાત કરાવી બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવાયું હતું.
ગત 17 માર્ચને શુક્રવારના રોજ મોડી રાત્રીએ લિંબાયત વિસ્તારના રણછોડ નગર પાસે ખાડીની પાછળ આવેલા ટાઇલ્સના વેસ્ટેજ ગોડાઉનમાંથી તાજુ જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું અને તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
નવજાત જ્યાંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. તેની નજીક શિખા હોસ્પિટલ આવી છે અને આ શિખા હોસ્પિટલના નર્સ અંજુ સિંગ દ્વારા નવજાતને હોસ્પિટલના ટેરેસ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. શિખા હોસ્પિટલની નજીકમાં આવેલા એક સીસીટીવી આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે પોલીસે સીસીટીવી આધારે હોસ્પિટલમાં કામ કરતી નર્સ અંજુ સિંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લિંબાયતમાંથી પોલીસને તરછોડાયેલું મૃત હાલતમાં તાજુ જ જન્મેલું બાળક જણાઈ આવ્યું હતી.
જોકે બાળકનું પોલીસ દ્વારા પીએમ કરાવડાતા જાણવા મળ્યું હતું કે બાળકને ગર્ભપાત કરાવીને ફેંકી દેવામાં આવ્યું છે. જન્મના પહેલા જ તેનું ગર્ભપાત કરીને ભ્રૂણની હત્યા કરવામાં આવી છે. જેમાં શિખા હોસ્પિટલના નર્સ અંજૂ સિંગની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.જેની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાબાદ પોલીસે હોસ્પિટલની નર્સ અંજુસિંગને ઝડપી પાડી હતી અને ત્યારે બનાવ અંગે માહિતી આપતા એસીપી જે.ટી. સોનારાએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં માહિતી મળી હતી કે ડો. વીરેન્દ્ર પટેલની શિખા હોસ્પિટલ આવેલી છે અને અહી અંજુ સિંગ નામની મહિલા નર્સ તરીકે કામ કરે છે. છેલ્લા દોઢેક માસથી તે મહિલા અહીં કામ કરતી હતી. મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને તે મામાના દીકરા સાથે રહીને ત્યાં નર્સનું કામ શીખી હતી.
ત્યારબાદ સુરતમાં પણ અનેક ડોક્ટરો સાથે તેણે કામ કર્યું હતું. જેને લઇ દવા અને ઇન્જેક્શન આપતા આવડતું હતું. ઉપરાંત તેને મહિલાઓની ડિલિવરી કરાવતા પણ આવડતી હતી. ત્યારે ગતરોજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મહારાષ્ટ્રના ગજાનંદ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને એક દંપતીને એબોર્શન માટે મોકલ્યા હતા. આ નર્સ તે દંપતીને લેવા પણ ગઈ હતી અને બાદમાં મહિલાને ગોળી અને ઇન્જેક્શન આપી ગર્ભપાત કરીને દંપતીને મોકલી દીધા હતા.
બાદમાં હોસ્પિટલની છત પરથી બાજુમાં લિંબાયત ખાડીમાં નવજાતને ફેક્યું હતું. અજું સિંગને એમ હતું કે નવજાતને ખાડીમાં ફેંકી દીધું છે પરંતુ તે ખાડીમાં ન પડ્યું હતું અને ત્યાં રહેલા ટાઈલ્સના ગોડાઉનમાં પડ્યું હતું. બીજા દિવસે ત્યાં પોલીસ આવતા તે ફરાર થઇ ગઈ હતી. જોકે આખરે તેને ઝડપી પાડવામાં આવી હતી.
શિખા હોસ્પિટલના ડોક્ટરની પણ મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીને લઇ ગઈ છે. પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ડોક્ટર વિરેન્દ્ર પટેલ દ્વારા મહિલાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો તે અંગે ગુનો નોંધાયો હતો અને આ ગુના માટે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે સુરતની પીસીબી પોલીસે ડોક્ટર વિરેન્દ્ર પટેલની એક અઠવાડિયા પહેલા ધરપકડ કરીને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધો હતો. હાલ ડોક્ટર વિરેન્દ્ર પટેલ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ત્યારે મહારાષ્ટ્રની જેલમાંથી ડોક્ટર આવ્યા બાદ તેની પણ પોલીસ અટકાયત કરીને પૂછપરછ કરશે.