સુરતમાં એસ.ઓ.જી. પોલીસે ગોડાદરા સ્થિત આવેલી શિવ પાર્ક સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી 1.14 લાખની કિંમતનું અફીણ ઝડપી પાડ્યું હતું. પોલીસે ત્યાંથી એક ઇસમની ધરપકડ કરી હતી. તેમજ અફીણનો જથ્થો આપનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે ચાલતો હતો ગોરખધંધો ?
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી યુવાઓને નશાના રવાડે ચડાવતા હોવાનો પર્દાફાશ થઇ રહ્યો છે. અને સુરત પોલીસ દ્વારા ગાંજો, દારુ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાંથી અફીણનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે ગોડાદરા દેવધ રોડ પર આવેલી શિવ પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 117ના બીજા માળે અફીણનો જથ્થો રહેલો છે.
આરોપીની કેવી રીતે થઇ ધરપકડ ?
અને એક ઇસમ ત્યાંથી ચોરી છુપીથી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે વોચ ગોઠવી ઘરમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 1.14 લાખની કિમતનો 382 ગ્રામ 920 મીલીગ્રામ અફીણના સક્રિય ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પોલીસે કબજે કરી ત્યાં રહેતા ચંપાલાલ વસતારામ નકુમ પરમારની ધરપકડ કરી હતી.
કોરોનાના કારણે ધંધામાં નુકશાન જતા ગુનાખોરીના રવાડે ચડ્યો
આરોપી ચંપાલાલ પરમાર ટેકસટાઇલનો વેપારી હતો. છેલ્લા 10 વર્ષથી કાપડના ધંધા સાથે સંકળાયેલો હતો. કોરોનાના કારણે ધંધાને મોટું નુકસાન થયું હતું. જેના કારણે તે ગુનાખોરીના રવાડે ચડ્યો હતો. અને છેલ્લા 8 મહિનાથી તે અફીણનો ધંધો કરતો હતો.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને આ જથ્થો ડીંડોલી સ્થિત દેલાડવા ખાતે રહેતા ભેરારામ બિશ્નોઇએ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અને, ગોડાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આમ એક વેપારી રોજગારીની મજબુરીમાં આરોપી બની ગયો છે.
આ પણ વાંચો : Ahmedabad : અગ્રવાલ પરિવાર માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદ રૂપ, સમોસા-કચોરીનો વીડિયો વાયરલ થતા વધી ઘરાકી
આ પણ વાંચો : GUJARAT : 8 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ સમય ઘટાડાય તેવી શક્યતા, નવરાત્રિ તહેવારમાં કેટલી મળશે છુટછાટ ?
Published On - 3:51 pm, Fri, 24 September 21