સુરત (SURAT) શહેરમાં પેસેન્જરોને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને (Gang) ઉધના પોલીસે (police) ઝડપી પાડી છે. પોલીસે 16 મોબાઈલ તેમજ એક ઓટો રીક્ષા કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં 5 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ તેમજ માલ સમાનની ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમ્યાન ઉધના પોલીસે રીક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. ઉધના પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આવાસ ખાતે રહેતા સોયેબ ઉર્ફે બાંજા ગુલામનબી પઠાણ, ફ્રુટ વેચવાનો ધંધો કરતા મોહસીન ઉર્ફે સોમાસા યુનુસ શેખ તેમજ રીક્ષા ડ્રાઈવર શમશેર ઉર્ફે શેરા ગફ્ફાર શેખ તથા મોબાઈલ લે વેચનો ધંધો કરતા જીતુંસિંગ ઉર્ફે જાડિયા મોતીસિંગ રાઠોડને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓની પાસેથી અલગ અલગ કંપનીના 16 મોબાઈલ તેમજ એક રીક્ષા મળી કુલ 1.99 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ તપાસમાં ઉધના, સલાબતપુરા, કતારગામ અને પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આરોપીઓ એકલા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી આગળ પાછળ કરી નજર ચૂકવી મોબાઈલ ચોરી કર્યા બાદ પેસેન્જરોને ખબર પડે તે પહેલા જ રસ્તામાં ઉતારી ફરાર થઇ જતા હતા.
હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ દ્વારા જો ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા પ્રમાણમાં એટલે કે ખટોદરા પાંડેસરા સ્ટેશન વિસ્તારના ગુનાઓ ઉકેલાઇ શકે તો નવાઈ નહિ વધુમાં આ રીક્ષા ગેંગ સતત અલગ અલગ વિસ્તારમાં સક્રિય રહેતી હોય ખાસ કરીને જોઈ એકલો પેસેન્જર કે પછી કોઈ અજાણ હોય તેવા લોકો સતત ટાર્ગેટ કરી ચોરી કરતા હોય છે.