રાજકોટના (RAJKOT) અગ્રણી બિલ્ડર અને વકીલ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આત્મહત્યા કેસમાં (Suicide case) પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે રાજકોટના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. અમદાવાદના બિલ્ડરોને પકડવા ગયેલી પોલીસને આરોપીઓ હાથ ન લાગ્યા. પોલીસની અલગ અલગ ચાર ટીમ અમદાવાદ દોડી પરંતુ આરોપીઓના ઘરે તાળા હતા અને તમામ આરોપીઓના મોબાઇલ સ્વીચ ઓફ થઇ જતાં પોલીસ લાચાર બની ગઇ હતી.
રાજકોટ અને અમદાવાદના બિલ્ડરોએ 33 કરોડની જમીનના દસ્તાવેજ નહીં કરી મહેન્દ્રભાઈને ત્રાસ આપતા હતા. જે મામલે પોલીસે સાત બિલ્ડર સામે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસને એકપણ આરોપી હાથ આવ્યો નહોતો. પોલીસ આરોપીઓના ઘરે દોડી ગઇ પરંતુ આરોપીઓ તે પહેલા જ ફરાર થઇ ગયા હતા.
મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. જે પૈકી ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ્યારે એક ટીમ રાજકોટમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે તમામ આરોપીઓના નિવાસસ્થાન અને આશ્રયસ્થાનો પર પોલીસે દરોડો કરીને તપાસ શરૂ કરી છે, જોકે આ કેસમાં હજુ એકપણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.
આ કેસમાં શરૂઆતથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પહેલા પોલીસે આત્મહત્યાના સ્થળ પર એફએસએલ સહિતની તપાસ કરી હતી સાથે સાથે સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે. ફરિયાદ દાખલ થયાં બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ કેસની તપાસ માટે સીટની રચના કરી છે. જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સીટ તપાસ કરી રહી છે. જેમાં એસીપી,એક પીઆઇ અને એક પીએસઆઇને શામેલ કરવામાં આવ્યા છે.
સ્યુસાઇડ નોટમાં મહેન્દ્ર પટેેલે કરેલા ઉલ્લેખ પ્રમાણે અમદાવાદના ઓઝોન ગ્રુપ દ્વારા અમદાવાદના બાવળા ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પેટેના 33 કરોડથી વધારે રકમના દસ્તાવેજો ઓઝોન ગ્રુપ દ્રારા કરી દેવામાં આવતા ન હતા. વર્ષ 2007માં બુકિંગ થયા બાદ વર્ષોથી આ વિવાદ ચાલતો હતો. મહેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો છે કે ઓઝોન ગ્રુપ દ્વારા રાજકીય વગ અને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરોબો હોવાનું કહીને ધમકીઓ આપતા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-