
તેલંગાણાના હૈદરાબાદમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીં કાર્ચિપુડા વિસ્તારમાં એક ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ફર્મ પર રેડ દરમિયાન એવું કંઈક મળી આવ્યું છે, જેને જોઈ અધિકારીઓ ચોંકી ગયા છે. જાણકારી અનુસાર અહીં ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (DCA)ની રેડમાં અધિકારીઓને લગભગ 1,000 લીટર જાનવરોનું રકત મળ્યું. આ રકત પશુઓ અને બકરીઓમાંથી ગેરકાયદેસર રીતે એકઠુ કરાયું હતું અને માનવોના રકત રાખવા માટે બનાવાયેલ બ્લડ બેગમાં પેક કરવામાં આવ્યું હતું.
Wion સમાચારની એક રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અને રાજ્યના ડ્રગ કંટ્રોલ અધિકારીઓ સાથે મળી ગુપ્ત માહિતીના આધારે આ રેડ કરી હતી. આ દરમિયાન તેમણે માનવીઓ માટેના ઉપયોગ માટે તૈયાર કરાયેલા બ્લડ બેગમાં જાનવરોનું લોહી ભરેલું જોઈને સિનિયર અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
બકરીના લોહી સિવાય, પરિસરમાં લોહી પેકેજિંગમાં ઉપયોગ થતી કેટલીક આધુનિક મશીનો પણ મળી. રેડ ટીમને એક ઓટોક્લેવ મશીન, એક લેમિનાર એર ફ્લો યુનિટ, 110 ભરેલા બ્લડ બેગ અને લગભગ 60 ખાલી બ્લડ બેગો મળી. ડ્રગ કંટ્રોલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેનો ઉપયોગ ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ, એક્સપેરિમેન્ટ અથવા લેબ ટેસ્ટ માટે કલર મીડિયા તૈયાર કરવા માટે થઈ શકે છે. ફર્મનો માલિક હાલ ફરાર છે.
આ મામલો મેડિકલ સપ્લાઈ ચેઇનમાં સંભવિત ખામીઓ તરફ ઈશારો કરે છે. એજન્સીઓ કહે છે કે દોષીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓ અટકાવવા માટે દેખરેખ વધારવામાં આવશે. હાલમાં, જપ્ત સામગ્રી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ ઘટના સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આરોગ્ય સંબંધિત ગુનાઓમાં બેદરકારીની કોઇ જગ્યાઓ રહી શકતી નથી.