બનાસકાંઠા : થરાદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ, ખોડા ચેકપોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા
થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 1 કિલો 200 ગ્રામ અફીણ ઝડપાયું છે. થરાદ પોલીસે બે શખ્સોને અફીણ સાથે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ અફીણ લઈને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થો ઝડપાવાની ઘટનાઓ વધી છે. ત્યારે આજે વધુ એક ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. જ્યાં થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 1 કિલો 200 ગ્રામ અફીણ ઝડપાયું છે. થરાદ પોલીસે બે શખ્સોને અફીણ સાથે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ અફીણ લઈને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમનો પ્લાન ચોપટ કરી નાખ્યો છે. પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ વર્ષે ડ્રગ્સના કેસમાં વધારો
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રગ્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજસ્થાન સરહદેથી ડ્રગ્સ ગુજરાતમાં ધૂસાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં આ વર્ષે અત્યાર સુધી કુલ 43 કેસ NDPS એક્ટ હેઠળ નોંધાયા છે. જેમાં મેફેડ્રોન અને ગાંજાના કેસનું પ્રમાણ વધુ છે. વધતા જતાં મેફેડ્રોન ડ્રગ્સના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પોલીસે આ ડ્રગ્સનું રેકેટ તોડવા માટે કામગીરી કરી અનેક ડ્રગ્સ પેલડરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાંથી ઝડપાતા ડ્રગ્સની લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવી મોડસ ઓપરેન્ડી(MO) સામે આવી છે. મોટાભાગે મેટ્રો સિટીમાંથી જ ગ્રામીણ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે, પરંતુ મુંબઈથી ડ્રગ્સ પેડલર રાજસ્થાન જાય છે. ત્યાં ઓરીઝનલ ડ્રગ્સમાં ભેળસેળ કરી તેનું પ્રમાણ વધારી ગુજરાતમાં વેચાણ કરે છે.