Surat: સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ દોડતા ડમ્પરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફળી વળતાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પતિને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પતિ આઘાતમાં સરી પડ્યો હતો. અકસ્માત (Accident) બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા જવા નીકળ્યા હતા.
દરમિયાન સચિન ખાતે આવેલ એપ્રલ પાર્ક રોડ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશભાઈની પત્ની માધુરી મિશ્રાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો સુરતમાં ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા એક યુવકનું બજરંગદળના કાર્યકરોએ કર્યું મુંડન, જુઓ video
મૃતક મહિલાના પતિ રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હું મારી પત્ની સાથે ઘરેથી કોસંબા ખાતે જવા નીકળ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે પાછળથી અડફેટે લેતા મને અને મારી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
108ને ફોન કરતા 15 મિનિટ સુધી 108 ઘટના સ્થળે પહોંચી ન હતી. જયારે 15 મિનિટ બાદ મને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનામાં મારી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
રાકેશ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. છેલ્લા 15 વર્ષથી પત્ની, બે પુત્ર, એક દીકરી સાથે સચિન વિસ્તારમાં રહે છે. ગતરોજ પત્ની સાથે બાઈક પર જતા ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. અકસ્માતની ઘટનાને લઇ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ સમગ્ર મામલે સચિન પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો