મહારાષ્ટ્રના (Maharashtra) થાણેમાં એક હૃદયદ્રાવક ઘટના (Thane Gangrape) સામે આવી છે. 30 લોકો પર 14 વર્ષની બાળકી પર સામુહિક બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આપને જણાવી દઈએ કે, છોકરીના પરિવારે ગેંગરેપના કેસમાં માનપાડા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને અપહરણનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ 26 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતા અહેવાલ અનુસાર છોકરીના સગીર બોયફ્રેન્ડે લગભગ 8 મહિના પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો બનાવ્યો હતો. આરોપ છે કે, આ વીડિયોના આધારે અન્ય લોકોએ તેને બ્લેકમેલ કરતી વખતે તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ મામલો પ્રકાશમાં આવતા જ તપાસ માટે વિશેષ પોલીસ દળની રચના કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે, આ ઘટના ડોમ્બિવલીના ભોપર વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 30 લોકોએ સગીર પર સામુહિક બળાત્કાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાને આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો. આરોપીએ તેની સાથે જુદી જુદી જગ્યાએ સામુહિક બળાત્કાર કર્યો હતો.
ગેંગરેપની (Gangrape) ઘટનાથી કંટાળીને પીડિતાએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપીની ડોમ્બિવલી, બદલાપુર, રવિબલે અને મુરબાડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પકડાયેલા ઘણા આરોપીઓ પ્રભાવશાળી છે. તે ઘણા રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે. દરેક સામે પોક્સો એક્ટની કલમો લાદવામાં આવી છે.
તાજેતરમાં પુણેમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. રસ્તાની બાજુમાં ઓટોની રાહ જોઈ રહેલી 14 વર્ષની છોકરીનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. તેણીને પાંચ જુદી જુદી જગ્યાએ લઈ જઈ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ કેસમાં 14 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 11 ઓટો ડ્રાઈવર અને 2 રેલવે કામદારોનો સમાવેશ થાય છે. એક આરોપી પીડિતાનો મિત્ર હતો.