Pariksha Pe Charcha 2022: ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં જોડાશે, શાળાઓમાં કરાશે જરૂરી વ્યવસ્થાઓ
પરિક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલ 2022ના રોજ બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી (PM Modi) સાથે રૂબરૂ વાત કરી શકશે.
પરિક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલ 2022ના રોજ બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી (PM Modi) સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આ ઇવેન્ટ એપ્રિલમાં કોવિડ-19 રોગચાળાને કારણે વર્ચ્યુઅલ મોડમાં યોજવામાં આવી હતી. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યભરની અનેક શાળાઓમાં 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 1 એપ્રિલે યોજાનારી ‘પરીક્ષા પે ચર્ચા’ને (Pariksha Pe Charcha) ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.ગુજરાતના શિક્ષણ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, 1 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે યોજાનારી પરીક્ષા પે ચર્ચાની આ આવૃત્તિ પાંચમી આવૃત્તિ હશે.
રાજ્યના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીહાળશે આ કાર્યક્રમ
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમના ભાગ રૂપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે તેમની ટૂંક સમયમાં યોજાનારી પરીક્ષાઓ દરમિયાન શાંત રહેવા અને ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વાતચીત કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ધોરણ 6, 7, 8, 9 અને 11ના 55.86 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1 એપ્રિલે ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેશે.”
શાળાઓ કરશે જરૂરી વ્યવસ્થા
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, લાઇવ ટેલિકાસ્ટની સુવિધા માટે 1 એપ્રિલના રોજ તમામ માધ્યમો અને બોર્ડની 40,800 શાળાઓ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવા માટે 349 સ્થળોએ મોટી એલઇડી સ્ક્રીન પણ ઇન્સ્ટોલ કરીશું. વિદ્યાર્થીઓ ઉપરાંત, લગભગ 2.5 લાખ શિક્ષકો પણ ટેલિકાસ્ટ જોશે.
મહત્વનું છે કે, પરીક્ષા પર ચર્ચા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ mygov.in પર જઈને અરજી કરવાની હતી. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 માટે નોંધણી કરાવવાનો આગ્રહ પણ કર્યો હતો.
પીએમ મોદીએ “પરીક્ષા પે ચર્ચા”ને સારો શીખવાનો અનુભવ ગણાવ્યો અને કહ્યું કે, તે ઉત્સાહી યુવાનો સાથે જોડાવાની અને તેમના પડકારો અને આકાંક્ષાઓને વધુ સારી રીતે સમજવાની તક પૂરી પાડે છે. નોંધનીય છે કે, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના વાર્તાલાપ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ની પ્રથમ આવૃત્તિ તાલકટોરા સ્ટેડિયમમાં 16 ફેબ્રુઆરી 2018ના રોજ યોજાઈ હતી.
આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ
આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી