
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો (AI) ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ આ એક મહત્વપૂર્ણ પડકાર પણ ઉભો કરી રહ્યો છે. કંપનીઓ AI અને મશીન લર્નિંગ (ML) સંબંધિત પદો માટે લાયક ડેવલરર્સ શોધી શકતી નથી. માનવ સંસાધન (HR) કન્સલ્ટિંગ ફર્મ રેન્ડસ્ટેડ ડિજિટલના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં AI સોલ્યુશન લીડ અને મશીન લર્નિંગ એન્જિનિયરના 10% થી વધુ પદો ખાલી છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં AI સોલ્યુશન લીડના 10.3% અને મશીન લર્નિંગ એન્જિનિયરના 11.2% પદો હજુ સુધી ભરવામાં આવ્યા નથી. રેન્ડસ્ટેડ જણાવે છે કે જો કોઈપણ ક્ષેત્રમાં નોકરી ખાલી રહેવાનો દર 10% થી વધુ હોય, તો તેને પ્રતિભાની ગંભીર અછત માનવામાં આવે છે.
આ અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે માત્ર ભારત જ નહીં પરંતુ ઘણા મોટા દેશો પણ AI નિષ્ણાતોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. યુએસમાં, AI સોલ્યુશન્સ લીડ હોદ્દાઓના 27% અને યુકેમાં 18% હોદ્દા ખાલી છે. દરમિયાન, યુએસમાં 8.2% મશીન લર્નિંગ એન્જિનિયર હોદ્દા ખાલી છે. જાપાનની પરિસ્થિતિને સૌથી પડકારજનક ગણાવવામાં આવી છે. જેમાં AI એન્જિનિયર હોદ્દાઓના 46.8% અને જનરેટિવ AI એન્જિનિયર હોદ્દાઓના 25% ખાલી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિશ્વભરની કંપનીઓ AI પ્રતિભાની અછતનો સામનો કરી રહી છે.
અહેવાલ મુજબ, વૈશ્વિક AI ટેકનોલોજી નોકરીઓમાંથી લગભગ અડધા ફક્ત યુએસ અને ભારતમાં છે. યુએસ 29% હિસ્સો ધરાવે છે. જ્યારે એકલો ભારત દેશ AI નોકરીઓના 20.5% સાથે વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું છે. રેન્ડસ્ટેડ ડિજિટલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શાહ કહે છે કે ભારતમાં પ્રતિભાનો અભાવ નથી, પરંતુ અદ્યતન AI કુશળતા ધરાવતા ડેવલરર્સની સંખ્યા હજુ પણ જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. આ જ કારણ છે કે કંપનીઓ ભરતીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
AI નિષ્ણાતોની અછત ભરતી પ્રક્રિયાને અસર કરી રહી છે. અહેવાલ મુજબ, 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં AI મેનેજરને નોકરી પર રાખવામાં સરેરાશ 53 દિવસ લાગ્યા હતા. જે ચાર વર્ષ પહેલા ફક્ત 25 દિવસમાં આ પ્રક્રિયા પૂરી થઈ જતી હતી. આનો અર્થ એ થયો કે કંપનીઓ હવે યોગ્ય ઉમેદવાર શોધવામાં પહેલા કરતાં વધુ સમય લઈ રહી છે.
કંપનીઓ હવે ફક્ત AI સાથે પ્રયોગ કરી રહી નથી, પરંતુ તેને તેમના વ્યવસાયમાં સમાવી રહી છે. આ જ કારણ છે કે ભારતમાં AI સ્કિલ્સ ધરાવતા ડેવલરર્સની માંગ ઝડપથી વધી છે. રિપોર્ટ મુજબ, 2021ની સરખામણીએ 2026ની શરૂઆત સુધી ભારતમાં AI આધારિત ડેવલપર્સની માંગમાં 660%થી વધુનો વધારો થયો છે. જ્યારે પરંપરાગત સોફ્ટવેર ડેવલપર્સની માંગમાં વધારો મર્યાદિત રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા વર્ષોમાં AI અને મશીન લર્નિંગ ક્ષેત્રના પ્રોફેશનલ્સની માંગ વધુ તેજ બનશે. તેથી યુવાનો માટે આ ક્ષેત્રોમાં નવી કુશળતા વિકસાવવી ઉત્તમ કારકિર્દીનો માર્ગ બની શકે છે.