
જો તમે ESIC ના લાભાર્થી છો, તો તમારા માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ESIC લાભાર્થીઓ માટે આધાર ઓથેન્ટિકેશન હવે અનિવાર્ય છે. મંત્રાલયે તમામ લાભાર્થીઓને પોતાના આધાર કાર્ડને ‘ESIC પહેચાન કાર્ડ’ સાથે વહેલી તકે લિંક કરવા આદેશ આપ્યો છે. ESIC અંતર્ગત કર્મચારીઓ અને તેમના પરિવારોને અનેક પ્રકારની સામાજિક સુરક્ષા તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ મળતી હોય છે. આવો જાણીએ કે ઘરે બેઠા તમે આ લિંકિંગ પ્રક્રિયા કેવી રીતે પૂરી કરી શકો છો:
આધાર લિંકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ESIC લાભાર્થીઓની ઓળખને પ્રમાણિત (Authenticate) કરવાનો છે. તેનાથી સાચા લાભાર્થીની સચોટ પુષ્ટિ થાય છે અને ESIC ની સુવિધાઓ કોઈપણ અડચણ વગર સતત મળતી રહે છે. ઉલ્લેખનીય છે કે ESIC હેઠળ માત્ર દવાખાનામાં સામાન્ય સારવાર જ નહીં, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, મેટરનિટી બેનિફિટ્સ (પ્રસૂતિ સહાય), બીમારી દરમિયાન મળતી આર્થિક સહાય અને ફરજ દરમિયાન ઈજા થાય ત્યારે મળતા વળતર સહિતના મહત્વના લાભો સામેલ હોય છે. તેથી લાભાર્થીઓએ કોઈપણ વિલંબ વગર આધાર પ્રમાણીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
આ પ્રક્રિયા દરમિયાન એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે. તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર નોંધાયેલો હોય તે ચાલુ (Active) હોવો જોઈએ. ઓનલાઇન વેરિફિકેશન માટે વન ટાઇમ પાસવર્ડ (OTP) તે જ નંબર પર મોકલવામાં આવે છે. જો તમારો રજિસ્ટર્ડ નંબર બંધ હશે કે તમારી પાસે ઉપલબ્ધ નહીં હોય, તો OTP મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને પ્રક્રિયા અધૂરી રહી શકે છે.