
દુનિયાની આ એવી બેંક છે જેના તિજોરીઓમાં એટલો મોટો ખજાનો છે કે તેને ગણવામાં પણ વર્ષો લાગી શકે! દુનિયાની સૌથી મોટી બેંક ચીનમાં આવેલી છે, જેને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) તરીકે ઓળખવામાં આવે છે. આ બેંકની કુલ સંપત્તિ આધાર $6.9 ટ્રિલિયન, એટલે કે આશરે ₹612 લાખ કરોડ છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે ભારતની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) કરતાં લગભગ નવ ગણો વધુ છે.
જ્યારે આપણે ભારતની સૌથી મોટી બેંકની વાત કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ SBIનું નામ આવે છે. સંપત્તિ, ગ્રાહકોની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ તે દેશની રાજા સમાન બેંક છે. પરંતુ જો પ્રશ્ન થાય કે દુનિયાની સૌથી મોટી બેંક કઈ છે, તો મોટાભાગના લોકો અમેરિકા કે યુરોપની કોઈ મોટી બેંકનો અંદાજ લગાવશે.
વાસ્તવમાં, આ ખિતાબ ચીનની ICBC પાસે છે. આ એવી નાણાકીય સંસ્થા છે જેની માપ અને પ્રભાવ બંને દુનિયામાં અનોખા છે. તે માત્ર એક બેંક નહીં પરંતુ નાણાકીય મહાસાગર સમાન સંસ્થા છે, જેની ઊંડાઈ માપવી મુશ્કેલ છે.
ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) ને તેની કુલ સંપત્તિના આધારે વિશ્વની સૌથી મોટી બેંક માનવામાં આવે છે. તાજેતરના આંકડા મુજબ, તેની કુલ સંપત્તિ $6.9 ટ્રિલિયન (₹612.25 લાખ કરોડ) જેટલી છે. આ રકમ એટલી મોટી છે કે તેની ગણતરીમાં વર્ષો લાગી શકે. 2012થી ICBC સતત વિશ્વની સૌથી મોટી બેંકનું બિરુદ જાળવી રાખી છે, અને અત્યાર સુધી કોઈ અમેરિકન કે યુરોપિયન બેંક તેને પડકાર આપી શકી નથી.
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની કુલ સંપત્તિ હાલમાં આશરે ₹67 લાખ કરોડ છે. આ પણ એક વિશાળ રકમ છે, પરંતુ જ્યારે તેની સરખામણી ICBC સાથે કરવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે ચીની બેંક કેટલા મોટાપાયે આગળ છે.
ICBCની સંપત્તિ SBI કરતા આશરે નવ ગણો વધારે છે. નેટવર્થના આ તફાવતને જોતા કહી શકાય કે ICBC વૈશ્વિક સ્તરે એવી શક્તિ ધરાવે છે જેની સરખામણી બહુ ઓછી સંસ્થાઓ કરી શકે.
ICBCની સ્થાપના ચીનના આર્થિક સુધારાના એક ઐતિહાસિક સમયમાં થઈ હતી. ડિસેમ્બર 1978માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની 11મી સેન્ટ્રલ કમિટીનું ત્રીજું સત્ર યોજાયું હતું, જેમાં દેશે આર્થિક સુધારાઓ અને ઉદાર નીતિઓ અપનાવવાનો નિર્ણય લીધો.તે સમય દરમિયાન નાણાકીય સેવાઓ માટે નવી સંસ્થાઓની જરૂરિયાત વધી રહી હતી.
તેથી સપ્ટેમ્બર 1983માં નક્કી કરવામાં આવ્યું કે પીપલ્સ બેંક ઓફ ચાઇના ફક્ત કેન્દ્રીય બેંક તરીકે કામ કરશે (જેમ ભારતમાં RBI કરે છે), જ્યારે ઔદ્યોગિક અને વાણિજ્યિક બેંકિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે નવી બેંક સ્થાપિત કરવામાં આવશે. આ નિર્ણય બાદ, તૈયારીઓ ઝડપથી થઈ અને 1 જાન્યુઆરી 1984ના રોજ ICBCએ સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરી.
ICBC ફક્ત ચીનમાં જ નહીં, પણ આખી દુનિયામાં મજબૂત હાજરી ધરાવે છે. બેંક પાસે વિશ્વભરમાં આશરે 16,456 શાખાઓ છે, જેમાંથી 16,040 ચીનમાં અને 416 વિદેશી શાખાઓ છે. આ શાખાઓ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, ઓશનિયા અને દક્ષિણ અમેરિકા જેવા ખંડોમાં કાર્યરત છે. આ વિશાળ નેટવર્ક ICBCને ખરેખર એક વૈશ્વિક બેંક બનાવે છે. તે સિંગાપુર અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે, જ્યારે ચીનની સરકાર તેની સૌથી મોટી શેરહોલ્ડર છે.