ફેબ્રુઆરી દરમિયાન વિશ્વભરમાં ખાદ્યપદાર્થોની (Food Price) કિંમતો નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રી ઓર્ગેનાઈઝેશન (FAO)એ આ જાણકારી આપી. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં વૈશ્વિક ખાદ્યપદાર્થોની કિંમતોમાં 21 ટકાનો વધારો થયો છે. ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ભાવમાં વધારો ખાદ્ય તેલ (Edible Oil) અને ડેરી ઉત્પાદનોના ભાવમાં વધારાને કારણે થયો છે. મહામારી પછી બગડતી પરિસ્થિતિને કારણે ખાદ્ય ઉત્પાદન હજુ પણ રીકવર થઈ શક્યું નથી. તે જ સમયે, રશિયા અને યુક્રેન સંકટને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સપ્લાય પર અસરને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.
વિશ્વભરના વ્યવસાય સાથે સંકળાયેલા ખાદ્ય કિંમતો પર નજર રાખનાર એફએઓ (FAO) ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધારા સાથે વધીને 140.7 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં આ ઇન્ડેક્સ 135.4 પર હતો. સંગઠને કહ્યું છે કે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો તેમને તૈયાર કરવાની કિંમતમાં વધારો થવાને કારણે જોવા મળ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર વીજળી, ખાતર અને ઘાસચારાના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે.
સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી મોંઘવારી દર પર ખરાબ અસર જોવા મળશે અને જે દેશો અનાજની આયાત પર નિર્ભર છે, તેમાં રહેતા ગરીબ લોકોની હાલત મુશ્કેલ બની જશે. માહિતી અનુસાર, વનસ્પતિ તેલના સૂચકાંકમાં અગાઉના મહિનાની સરખામણીએ 8.5 ટકાનો વધારો થયો છે. પામ ઓઈલ, સોયા અને સનફ્લાવર ઓઈલમાં વધારાને કારણે ખાદ્યતેલોની મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે.
સૂર્યમુખી તેલની કુલ નિકાસમાં યુક્રેન અને રશિયા મળીને 80 ટકા હિસ્સો ધરાવે છે. અનાજના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને જાન્યુઆરીની સરખામણીમાં ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો છે. ડેરી ઇન્ડેક્સ 6.4 ટકા વધ્યો હતો. ડેરીના ભાવમાં સતત છઠ્ઠા મહિને વધારો જોવા મળ્યો છે.
એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ખાદ્ય મોંઘવારી વધુ વધી શકે છે. FAO એ ફેબ્રુઆરી માટે આ આંકડા લીધા હતા જ્યારે રશિયા અને યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ન હતું. ઘઉં, મકાઈના ભાવ યુદ્ધની શરૂઆતથી નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં માર્ચમાં મોંઘવારીનો દર ઊંચો પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : દુધના ભાવમાં મોંઘવારીનો ઉભરો, મધર ડેરીએ દુધના ભાવમાં કર્યો પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, રવિવારથી ભાવ વધારો લાગુ