ટાટા ગ્રૂપ 400 બિલિયન ડોલરનું મૂલ્યાંકન પાર કરનાર પ્રથમ ભારતીય ગ્રુપ બન્યું છે. ટાટા ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 26 કંપનીઓ છે. આ કંપનીઓએ મળીને છેલ્લા એક વર્ષમાં 100 બિલિયન ડોલરની જંગી વૃદ્ધિ નોંધાવી છે.
જૂનના નીચા સ્તરથી જૂથની કુલ માર્કેટ કેપમાં 15.4 ટકાનો વધારો થયો છે. શુક્રવારના બજાર બંધ સુધી તેની કિંમત 401 બિલિયન ડોલર એટલેકે રૂપિયા 33.6 લાખ કરોડ હતી.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) 190 બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વેલ્યુએશનમાં 47% ફાળો આપે છે. સૌથી મોટી IT કંપનીના શેર શુક્રવારે 4422.45 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. TCS ઉપરાંત ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા મોટર્સનો શેર પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે.
નોમુરા તરફથી રેટિંગ અપગ્રેડ કર્યા પછી છેલ્લા ત્રણ સત્રોમાં ટાટા મોટર્સના શેરમાં 12% સુધીનો વધારો જોવા મળ્યો છે. વિદેશી બ્રોકરેજ માને છે કે ટાટા મોટર્સને જગુઆર લેન્ડ રોવર (JLR) થી મોટો ફાયદો મળી શકે છે જે કંપનીના નફાના માર્જિનમાં વધુ વધારો કરશે.જે.પી. મોર્ગનના જણાવ્યા અનુસાર TCSએ મજબૂત આવક હાંસલ કરી છે જેના કારણે ક્વાર્ટરમાં તેજી આવી છે.
બ્રોકરેજે ટીસીએસના શેરની કિંમતનો ટાર્ગેટ રૂપિયા 4600 રાખ્યો છે. આ સાથે સ્ટોક પર “ઓવરવેઇટ” રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ કહે છે કે FY26ની વૃદ્ધિ પર શંકા રહેતી હોવા છતાં અમે પુનરાગમન પર અપસાઇકલ મેળવવાની TCSની ક્ષમતામાં વિશ્વાસ રાખીએ છીએ.TCS ડિવિડન્ડ યીલ્ડ દ્વારા સપોર્ટેડ વૃદ્ધિમાં સુધારો કરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે.
બ્લૂમબર્ગ ડેટા દર્શાવે છે કે ટાટા મોટર્સ, ટાઇટન અને ટાટા સ્ટીલ જેવા અન્ય ગ્રૂપ શેરોની સાથે સૌથી મોટી IT કંપની TCS, ગ્રૂપ વેલ્યુએશનમાં લગભગ 75% હિસ્સો ધરાવે છે. 10 લાખથી વધુ લોકોને રોજગારી આપતા જૂથે FY24માં 165 બિલિયન ડોલરની આવક મેળવી હતી જ્યારે ચોખ્ખો નફો વર્ષ દરમિયાન 10 બિલિયન ડોલરને વટાવી ગયો હતો.
મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપ 277 બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને છે જ્યારે અદાણી ગ્રુપ 206 બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. દેશના ત્રણ સૌથી મોટા જૂથો મળીને 884 બિલિયન ડોલરના માર્કેટ કેપનો દાવો કરે છે જે સ્પેનના માર્કેટ વેલ્યુએશન કરતાં વધુ છે.
આ પણ વાંચો : ભારતની બેંકોમાં જમા 78,213 કરોડના ક્લેમ વગરના રૂપિયાનો માલિક કોણ છે? આ પૈસા તમારા તો નથી ને!