
ટાટા મોટર્સ દ્વારા અમદાવાદના સાણંદ સ્થિત પ્લાન્ટને લઈને મોટો નિર્ણય કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વર્ષે એપ્રિલમાં સાણંદ પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ટાટા મોટર્સે ગયા વર્ષે ફોર્ડ ઈન્ડિયા પાસેથી સાણંદ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. કંપનીના યુનિટ ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ગયા વર્ષે જાન્યુઆરીમાં ફોર્ડ ઇન્ડિયા સાથે આ પ્લાન્ટ માટે 725.7 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, ટાટા મોટર્સના MD (પેસેન્જર વ્હીકલ્સ) શૈલેષ ચંદ્રાએ કહ્યું હતું કે, અમે એપ્રિલથી નેક્સોન ઈવી સાથે સાણંદમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. કંપનીએ પહેલેથી જ વાર્ષિક 3 લાખ યુનિટની સ્થાપિત ક્ષમતા સાથે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં નેક્સનના પેટ્રોલ અને ડીઝલ વર્ઝનનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે વાર્ષિક ક્ષમતા વધીને 4.2 લાખ યુનિટ થશે.
શૈલેષ ચંદ્રાએ આગળ કહ્યુ હતું કે, કંપની આ ફેક્ટરીમાં આગામી મોડલ્સનું ઉત્પાદન પણ કરવા માંગે છે. કંપનીની નવી પ્રોડક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, કર્વ EV આ વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, અમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમે હેરિયર EV અને કર્વનું પેટ્રોલ, ડીઝલ વર્ઝન પણ રજૂ કરશું. આવતા નાણાકીય વર્ષમાં વેચાણના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે પેસેન્જર વાહન ઉદ્યોગમાં 5 ટકાના વધારાની અપેક્ષા છે.
આ પણ વાંચો : રોકાણકારો 100 રૂપિયાના IPO પર તૂટી પડ્યા, લિસ્ટિંગ પર થશે મોટો નફો! જાણો કેટલો છે GMP
શૈલેષ ચંદ્રાએ આગળ કહ્યુ હતું કે, અમે કેટલીક નવી પ્રોડક્ટ્સ રજૂ કરવાની યોજના બનાવીએ છીએ, તેથી અમે ઉદ્યોગ કરતાં વધારે સારી વૃદ્ધિ કરવાનો ટાર્ગેટ રાખીશું. બજેટની અપેક્ષાઓ પર તેમણે કહ્યું કે, FAME સ્કીમ હેઠળ વ્યક્તિગત ઈલેક્ટ્રિક કારને લાભ આપવાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. FAME ભારતમાં હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનોના ઝડપી અપનાવવાનો અને ઉત્પાદનનો ઉલ્લેખ કરે છે.