આજે સાપ્તાહિક કારોબારની શરૂઆત પેટીએમના શેર(Paytm Stock Price Today )માટે અત્યંત ખરાબ રહી હતી. પેટીએમનો શેર શરૂઆતના કારોબારમાં 12% ઘટીને રૂ. 672 સુધી લપસ્યો હતો. પેટીએમના શેરનું આ ઓલ ટાઈમ લો છે. આ પહેલા શુક્રવારે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક (Paytm Payments Bank) પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની અસર આજે Paytmના શેર પર જોવા મળી રહી છે. આરબીઆઈએ આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ઓડિટનો પણ આદેશ આપ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું હતું કે આઈટી ઓડિટ રિપોર્ટ જોયા બાદ તે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવાની મંજૂરી આપશે.
Paytm પેમેન્ટ્સ બેંકે એક ટ્વીટમાં કહ્યું કે તે RBIની શરતોને પૂરી કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. Paytm પેમેન્ટ્સ ઉમેર્યું હતું કે “પ્રિય ગ્રાહકો, અમે તમારી સાથેના અમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ અને અમે RBIની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારા વર્તમાન ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના બેંકિંગ સેવાઓ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.”
Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેર રૂ. 2,150 પર લિસ્ટ થયા હતા પરંતુ વેલ્યુએશન અંગે સતત ચિંતા રહી છે. બ્રોકરેજ ફર્મ મેક્વેરી સિક્યોરિટીઝ ઈન્ડિયાએ Paytmના શેરની કિંમતનો લક્ષ્યાંક ઘટાડીને રૂ. 700 કર્યો છે.
આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેન્ક આ વર્ષે મે-જૂન સુધીમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે અરજી સબમિટ કરી શકે છે. Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન વિજય શેખર શર્મા કંપનીમાં 51% હિસ્સો ધરાવે છે. જોકે, RBIએ કંપની વિરુદ્ધ આ કાર્યવાહી શા માટે કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આરબીઆઈએ અત્યાર સુધી માત્ર એટલું જ કહ્યું છે કે આ પગલું અમુક સુપરવાઇઝરી ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં હવે Paytmના સંસ્થાપક વિજય શેખર શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દક્ષિણ દિલ્હીમાં DCPની કારને ટક્કર માર્યા બાદ Paytm કંપનીના CEO વિજય શેખર શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા.આપને જણાવી દઈએ કે આ ઘટના ગયા મહિને 22 ફેબ્રુઆરીએ બની હતી. જો કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિજય શેખર શર્મા ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.