
એલોન મસ્કની સ્પેસએક્સ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકે ભારતમાં તેની રેસિડેન્શિયલ યોજના સત્તાવાર રીતે શરૂ કરી છે. કંપનીનું ધ્યાન એવા વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવાનું છે, જ્યાં બ્રોડ બેન્ડ નેટવર્ક કાં તો મર્યાદિત છે અથવા તો નેટવર્ક નબળું છે.
એલોન મસ્કે જણાવ્યું હતું કે, સ્ટારલિંકનું નેટવર્ક વિશ્વભરમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે અને ભારતમાં તેનું લોન્ચિંગ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે, કારણ કે અહીં લાખો લોકો પાસે હજુ પણ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસનો અભાવ છે. એવામાં ભારત સ્ટારલિંકના ગ્લોબલ મિશનમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે.
સ્ટારલિંક ઇન્ડિયા વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેસિડેન્શિયલ પેકેજની કિંમત ₹8,600 પ્રતિ મહિના છે. આ ઉપરાંત, સર્વિસ શરૂ કરવા માટે હાર્ડવેર કિટના એકવાર 34,000 રૂપિયા ચૂકવવા પડશે. આમાં અનલિમિટેડ ડેટા અને 30-દિવસના ટ્રાયલનો સમાવેશ થાય છે, જેથી નવા યુઝર્સ ક્વોલિટી ટેસ્ટ કરી શકે.
કંપનીના જણાવ્યા અનુસાર, સ્ટારલિંક સિસ્ટમ હવામાન પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને 99.9 ટકા અપટાઇમનો દાવો કરે છે. સેટઅપ માટે ટેકનિકલ નિષ્ણાતની જરૂર નથી, ઇન્ટરનેટ ફક્ત હાર્ડવેર પ્લગ ઇન કરવાથી કામ કરવાનું શરૂ કરે છે. આ સ્ટારલિંક મોડેલ ખાસ કરીને એવા ઘરો અને વિસ્તારો માટે ઉપયોગી માનવામાં આવે છે, જ્યાં બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુધી પહોંચ્યું નથી.
સ્ટારલિંકે હજુ સુધી ભારતમાં તેના ઈન્ટરનેટ પ્લાનની એટલે કે કિંમતની સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, ભારતમાં એન્ટરપ્રાઇઝ અને એડવાન્સ્ડ નેટવર્કિંગની માંગ ઝડપથી વધી રહી હોવાથી કંપની ટૂંક સમયમાં કોમર્શિયલ પ્લાન અને બીજી રોલઆઉટ વિગતો શેર કરે તેવી અપેક્ષા છે.
ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી વેગ પકડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગયા મહિને, કંપનીએ લિંક્ડઇન પર તેની બેંગલુરુ ઓફિસ માટે પેમેન્ટ્સ મેનેજર, એકાઉન્ટિંગ મેનેજર, સિનિયર ટ્રેઝરી એનાલિસ્ટ અને ટેક્સ મેનેજર જેવા પદો માટે ભરતી શરૂ કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે, સર્વિસ લૉન્ચ થવાના પહેલા દેશના ઘણા શહેરોમાં ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે, જેથી નેટવર્કની સ્ટેબિલિટી અને ઇન્ટરનેટ સ્પીડને વધુ સારી રાખી શકાય.
Published On - 6:39 pm, Mon, 8 December 25