
જો તમે દર મહિને 10,000 રૂપિયા બચાવીને રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડ SIP અને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) એ બે વિકલ્પ યોગ્ય હોઈ શકે છે. ખાસ વાત એ કે, બંનેમાં રોકાણ કરવાની રીત અને જોખમ અલગ-અલગ છે.
મ્યુચ્યુઅલ ફંડ SIPમાં બજારના આધારે વળતર મળે છે, જેમાં વધુ કમાણીની શક્યતાની સાથે જોખમ પણ રહેલું છે. બીજીબાજુ, પોસ્ટ ઓફિસ RDમાં નિશ્ચિત વ્યાજ દર મળે છે અને તે સરકાર દ્વારા સમર્થિત બચત યોજના છે.
હવે સવાલ એ છે કે, જો કોઈ રોકાણકાર બંને વિકલ્પમાં દર મહિને 10,000 રૂપિયા જમા કરે, તો 5 વર્ષ પછી શેમાં વધુ પૈસા મળશે? એક અંદાજિત ગણતરી મુજબ, 12% વાર્ષિક વળતર માનીને મ્યુચ્યુઅલ ફંડ SIPમાં લગભગ 8.17 લાખ રૂપિયાનું ફંડ બની શકે છે. પોસ્ટ ઓફિસ RDમાં 6.7% વાર્ષિક વ્યાજ દરના હિસાબે લગભગ 7.14 લાખ રૂપિયા મળી શકે છે.
એવું માનીએ કે, રોકાણકાર દર મહિને 10,000 રૂપિયા જમા કરે છે અને રોકાણનો સમયગાળો 5 વર્ષ એટલે કે 60 મહિના છે. આ દરમિયાન બંને વિકલ્પમાં કુલ 6 લાખ રૂપિયા જમા થશે.
મ્યુચ્યુઅલ ફંડ SIP માટે વાર્ષિક 12% વળતરનું અનુમાન લેવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસ RD માટે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના સમયગાળામાં લાગુ 6.7% વાર્ષિક વ્યાજ દરને સમગ્ર રોકાણ કાળમાં સમાન માનીને ગણતરી કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસ આરડીમાં વ્યાજ ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડ થાય છે.
આ ગણતરી મુજબ, 5 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ SIPથી લગભગ 8.17 લાખ રૂપિયાનું ફંડ બની શકે છે. પોસ્ટ ઓફિસ RDમાં લગભગ 7.14 લાખ રૂપિયા મળી શકે છે, એટલે કે અંદાજના આધારે એસઆઈપીથી આરડીની સરખામણીમાં લગભગ 1.03 લાખ રૂપિયા વધુ મળી શકે છે.
જો કોઈ રોકાણકાર દર મહિને 10,000 રૂપિયાની SIP કરે છે અને તેને વાર્ષિક 12% વળતર મળે છે, તો 60 મહિનામાં તેનું કુલ રોકાણ 6 લાખ રૂપિયા થશે. તેના પર અંદાજિત કમાણી લગભગ 2,16,697 રૂપિયા હોઈ શકે છે. આ રીતે કુલ ફંડ લગભગ 8,16,697 રૂપિયા બની શકે છે.
જો કે, અહીં 12% વાર્ષિક વળતર માત્ર ગણતરી માટે જ માનવામાં આવ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં મળતું વળતર બજારના પ્રદર્શન પર આધાર રાખે છે. તેમાં ઓછું કે વધુ વળતર મળી શકે છે અને રોકાણ કરેલી રકમમાં નુકસાન પણ થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની RDમાં રોકાણકાર દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરે છે. આ સરખામણીમાં 6.7% વાર્ષિક વ્યાજ દરને આધાર બનાવવામાં આવ્યો છે. આ દર ઓક્ટોબર-ડિસેમ્બર 2026ના સમયગાળા માટે જણાવવામાં આવ્યો છે અને ગણતરીમાં તેને સમગ્ર 5 વર્ષ સુધી સમાન માનવામાં આવ્યો છે.
આ હિસાબે દર મહિને 10,000 રૂપિયા જમા કરવા પર 5 વર્ષમાં કુલ 6 લાખ રૂપિયાનું રોકાણ થશે. મેચ્યોરિટી પર લગભગ 7,13,700 રૂપિયા મળી શકે છે, એટલે કે વ્યાજથી અંદાજિત કમાણી 1,13,700 રૂપિયા થશે.
પોસ્ટ ઓફિસ RDમાં વ્યાજ દર નિશ્ચિત હોવાને કારણે રોકાણકારને અગાઉથી જ અંદાજિત વ્યાજ અને મેચ્યોરિટી રકમનો ખ્યાલ રહે છે. જો કે, સમય પહેલાં ખાતું બંધ કરાવવાથી મળતું વ્યાજ ઓછું થઈ શકે છે.
બંનેમાં રોકાણ વિકલ્પનો હેતુ અને જોખમ અલગ-અલગ છે. એટલા માટે કોઈપણ એકને તમામ રોકાણકારો માટે વધુ સારું કહી શકાય નહીં.