
ચાંદીની કિંમતોમાં છેલ્લા બે દિવસમાં મોટા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. તો રોબર્ડ કિયોસાકીએ ચાંદીમાં આવેલી તેજીને લઈને ચેતવણી આપી છે. ચાંદીની કિંમતોમાં મંગળવારે તેજી આવી છે. MCX પર માર્ચ ડિલિવરીવાળી ચાંદીના ભાવ પ્રતિ કિલો 2.37 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. પરંતુ એક દિવસ પહેલા એટલે કે સોમવારે તેમા આવેલા તીવ્ર ઘટાડાએ રોકાણકારોને ચિંતામાં મુકી દીધા.
ચાંદીના ભાવ અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચીને ક્રેશ થઈ ગઈ હતી. થોડી જ વારમાં તેમા 20 હજારથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાંદીમાં આવેલી તેજીને લઈને ‘રિચ ડેડ, પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ચેતવણી આપી છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે શું આ ચાંદીના ભાવમાં આવેલી તેજી એ પરપોટા સમાન તો નથી બની રહીને?
બજારના નિષ્ણાતો ચાંદીના ભાવમાં આ અસાધારણ વધારા અંગે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે ચાંદી અન્ય કોમોડિટીઝ કરતાં ઘણી ઝડપથી ઉંચા ભાવે પહોંચી રહી છે. વેપારીઓ, ખાસ કરીને જેઓ બેઝ મેટલ્સ (જેમ કે તાંબુ અને લોખંડ) અને કિંમતી ધાતુઓ (જેમ કે સોનું અને ચાંદી) બંનેમાં રોકાણ કરે છે, તેઓ આ ગતિવિધિ પર બારાકાઈથી નજર રાખી રહ્યા છે. ભાવમાં આ ઉપર તરફનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેતો હાલ દેખાતા નથી, અને આ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે કેમ તે અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
રોબર્ટ કિયોસાકીએ X પર કરેલી એક પોસ્ટમાં ચાંદીના ભાવ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે પૂછ્યું, “શું ચાંદીનો પરપોટો ફૂટવાનો છે?” તેમણે પોસ્ટમાં સમજાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ચાંદીના સમર્થક રહ્યા છે, તેમણે 1965 માં પહેલી વાર ચાંદી ખરીદી હતી. જો કે, હવે તેઓ માને છે કે ચાંદીના ભાવમાં હાલનો વધારો FOMO (ચૂકી જવાનો ડર) ને કારણે છે. તેમણે ભાવ ઘટાડાની પણ ચેતવણી આપી હતી.
કિયોસાકીએ રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું, “જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ધીરજ રાખો. ભાવ ઘટે ત્યાં સુધી રાહ જુઓ, પછી રોકાણ કરો અથવા ન કરો.” આ ચેતવણી છતાં, તેમણે ચાંદીના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમનું માનવું છે કે 2026 સુધીમાં ચાંદી $100 પ્રતિ ઔંસ અને કદાચ $200 સુધી પણ પહોંચી શકે છે. તેમણે તેમના “રિચ ડેડ” ફિલસૂફીના મુખ્ય સિદ્ધાંતને રિપીટ કરતા કહ્યુ : ” તમે નફો ત્યારે કરો છો જ્યારે તમે ખરીદો છો … ન કે ત્યારે જ્યારે તમે વેચો છો.”
સોમવારે ઘટ્યા પછી, ચાંદીના ભાવમાં સુધારો થવા લાગ્યો છે. મંગળવારે સાંજે, MCX પર તે ₹17,000 અથવા 7% થી વધુ વધ્યો. આ વધારા સાથે, ચાંદીનો ભાવ ₹2.40 લાખને વટાવી ગયો.
આપને જણાવી દઈએ કે ચાંદીની કિંમતો સોમવારે MCX પર પ્રતિ કિલોગ્રામ ₹2,54,174 પર પહોંચી ગયો, જે એક ઓલટાઈમ હાઈ છે. આમ, 2025 માં ચાંદીના ભાવમાં 196% નો વધારો થયો છે. જો કોઈએ 1 જાન્યુઆરી, 2025 ના રોજ ચાંદીમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે રકમ આજે ₹2.97 લાખ થઈ ગઈ હોત. 2025 ના પહેલા દિવસે, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹85,913 હતો. હવે પ્રશ્ન એ છે કે શું ચાંદીના ભાવમાં આ વધારો માત્ર એક પરપોટો છે કે તેની પાછળ કોઈ વાસ્તવિક કારણો છે?
ચાંદીના ભાવમાં આ વર્ષે થયેલા વધારાએ બજારને વિભાજિત કર્યું છે. એક વર્ગ તેને અતિશય સ્પેક્યુલેશન (અટકળબાજી/ સટ્ટો) માની રહ્યુ છે. જ્યારે બીજુ જૂથ માને છે કે પુરવઠાની અછત, વધતી ઔદ્યોગિક માંગ અને ચીની નિકાસ પ્રતિબંધોને કારણે ભાવ વધી રહ્યા છે.
એસેટ મેનેજમેન્ટ કંપની પેસ 360 ના સહ-સ્થાપક અને મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર અમિત ગોયલે પણ ચાંદીમાં તાજેતરના વધારાને ક્લાસિક કોમોડિટી બબલ તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ તેજીનો મૂળભૂત વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું હતું કે ચાંદીની વર્તમાન પ્રાઈસ એક્શન ડૉલર ઇન્ડેક્સ, ઇક્વિટી માર્કેટ્સ અને વાસ્તવિકતાના અન્ય કોઈપણ માપદંડથી સંપૂર્ણપણે અલગ છે.
તેમણે તેની તુલના 2008 ના ક્રૂડ ઓઇલ બબલ સાથે કરી હતી, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $145 સુધી પહોંચ્યા હતા. જો કે, વર્ષો પછી, ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $60 માં ઉપલબ્ધ છે. તેમણે ચાંદીના વર્તમાન પ્રાઈઝ એક્શનની તુલના 1999-2000 ના ટેક બબલ સાથે પણ કરી હતી.
ગોયલે કહ્યું, “આ એક પરપોટા જેવો દેખાય છે. બજાર નાનામાં નાના સકારાત્મક સમાચારને પણ અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરી રહ્યું છે, જેમ ટેક બબલ દરમિયાન ટેક સ્ટોક્સ સાથે થયું હતું.” જોકે, તેમણે ઉમેર્યું કે હજુ સુધી સ્પષ્ટ નથી કે ચાંદીનું ફાઈનલ ટોપ લેવલ બની ચુક્યુ છે કે નહીં, જેના કારણે ઘટાડો થયો છે.
ગોયલે એ પણ ભાર મૂક્યો કે ભાવમાં તીવ્ર વધારો હોવા છતાં, હાલના દિવસોમાં સિલ્વર ETF માંથી બહાર નીકળતી દેખાઈ છે. તેમણે કહ્યું, “ચાંદીમાં આશરે $9-10 ના આ સમગ્ર વધારા દરમિયાન, આપણે સિલ્વર ETF માં કોઈ ઈનફ્લો જોવા નથી મળ્યો.” તેમનું માનવું છે કે આ તેજી મૂળભૂત રોકાણ કરતાં અટકળો (Speculations) દ્વારા પ્રેરિત છે. તેમણે સ્વીકાર્યું કે ચીનના નિકાસ પ્રતિબંધો માટેની સમયમર્યાદા તાત્કાલિક ટ્રિગર હતી, પરંતુ આ સમાચાર ઘણા સપ્તાહથી બજારમાં હતી.
તેમનો અંદાજ છે કે જ્યારે આ પરપોટો ફૂટશે, ત્યારે ચાંદીના ભાવ બધા સપોર્ટ સ્તરો તોડી નાખશે અને લગભગ દોઢ વર્ષમાં તેમની ટોચથી ઓછામાં ઓછા 50% થી 60% સુધી ઘટશે. તેમણે કહ્યું કે સોના-ચાંદીનો રેશિયો 108 થી ઘટીને 54 થઈ ગયો છે અને ગ્રીડ ઈન્ડીકેટર્સ 1980 ના ટોપથી ઉપર છે તે ચાંદીના પરપોટાના સ્પષ્ટ સંકેતો છે.