Share Market Opening Bell : આજે સતત બીજા દિવસે શેરબજારની શરૂઆત 80 હજાર ઉપર થઇ છે. આજે બંને મુખ્ય સૂચકઆંક નવી રેકોર્ડ સપાટીએ ખુલ્યા છે. સેન્સેક્સ 0.42 અને નિફટી 0.34 ટકા વધારા સાથે કારોબારની શરૂઆત કરી છે.
અમેરિકન બજારો ગઈ કાલે ફરી એકવાર રેકોર્ડબ્રેક ઊંચાઈ સાથે બંધ થયા હતા. S&P 500 ઇન્ડેક્સ 0.51% ના વધારા સાથે 5,537.02 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો. Nasdaq પણ 0.88% ના વધારા સાથે 18,189.30 ના સ્તર પર બંધ થયો. ટેસ્લા અને એનવીડિયાએ સારી વૃદ્ધિ દર્શાવી હતી . તે જ સમયે, ડાઉ જોન્સ 0.6% ના ઘટાડા સાથે 39,308 ના સ્તર પર બંધ થયો.
એશિયાના બજારોની વાત કરીએ તો અહીંના મોટાભાગના બજારો આજે બંધ છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ અડધા ટકાના વધારા સાથે કામકાજ કરતો જોવા મળ્યો હતો. તે હવે 40,888ના રેકોર્ડ હાઈથી માત્ર 200 પોઈન્ટ દૂર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ તેજીના સંકેત આપી રહ્યો છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો બુધવારે કેશ માર્કેટમાં ચોખ્ખા ખરીદદાર હતા. એફઆઈઆઈએ ગઈ કાલે કેશ માર્કેટમાં નેટ રૂ. 5484 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે નેટ રૂ. 924 કરોડના શેર વેચ્યા છે.
આ વર્ષે સેન્સેક્સે તોફાની ગતિએ તેની સફર શરૂ કરી અને એપ્રિલ 2024માં જ તે 75,000ના સ્તરને પાર કરી ગયો હતો. આ પડાવ સુધી પહોંચવામાં માત્ર 58 ટ્રેડિંગ સત્રો લાગ્યા હતા. ત્યાર બાદ જૂનમાં તેમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તે ત્રણ હજાર પોઈન્ટ ઉછળીને 77 હજાર, 78 હજાર અને 79 હજારની સપાટી વટાવી ગયો હતો અને હવે 80 હજારને પાર જોવા મળ્યો હતો.
બુધવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 545.35 (0.68%) પોઈન્ટના વધારા સાથે 79,986.80 ના સ્તરે બંધ થઈને 80 હજારની નજીક બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 162.66 (0.67%) પોઈન્ટ ઉછળીને 24,286.50 પર બંધ રહ્યો હતો. ખાનગી બેન્કિંગ સેક્ટરના શેરમાં વધારો થવાને કારણે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી જોવા મળી હતી.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.