
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કેટલાક ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર લીક થઈ હોવાની આશંકા સામે આવી છે. આ મામલે બેંકને સાયબર સુરક્ષા સંબંધિત ચેતવણી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હજારો ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી હોવાની વિગતો સામે આવી છે. જોકે, ડેટા લીકના ચોક્કસ સ્ત્રોત અને તેની સંપૂર્ણ અસર જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, 16 ઓક્ટોબર, 2026ના રોજ SBIને તેના થ્રેટ ઇન્ટેલિજન્સ સેવા પ્રદાતા મારફતે ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર ઉપલબ્ધ હોવાની ચેતવણી મળી હતી. ત્યારબાદ બેંકે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ડાર્ક વેબ પર ઉપલબ્ધ અંદાજે 3.75 લાખ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં 3,897 ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી (PII) હોવાની વિગતો સામે આવી હતી.
આ મામલે 21 ઓક્ટોબર, 2026ના રોજ SBIએ સ્ટોક એક્સચેન્જને અહેવાલ આપ્યો હતો. બેંકે જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સંભવિત રીતે લીક થયેલી માહિતીમાં ગ્રાહકોનાં નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઇમેઇલ આઇડી અને રહેણાંકનાં સરનામાંનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત બેંકની શાખાનું નામ, CIF નંબર અને લોન સંબંધિત રેકોર્ડનું મેટાડેટા પણ ડાર્ક વેબ પર ઉપલબ્ધ હોવાની આશંકા છે.
જો આ માહિતીની પુષ્ટિ થાય છે, તો ગ્રાહકો માટે સાયબર છેતરપિંડીનું જોખમ વધી શકે છે. ખાસ કરીને, વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરીને ઠગો ગ્રાહકોને બેંકના અધિકારી હોવાનો વિશ્વાસ અપાવી શકે છે અને તેમની પાસેથી OTP, બેંકિંગ પાસવર્ડ અથવા અન્ય ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, આ વિગતોના આધારે કોઈ છેતરપિંડી થઈ હોવાની પુષ્ટિ હજુ થઈ નથી.
ડેટા લીકની ચેતવણી મળ્યા બાદ SBIએ પોતાના સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્રોટોકોલ સક્રિય કર્યા છે. સાથે જ, સમગ્ર ઘટનાની તપાસ માટે CERT-Inના પેનલમાં સામેલ એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની મદદ લેવામાં આવી છે.
તપાસ એજન્સી ડાર્ક વેબ પર ઉપલબ્ધ માહિતીની ખરાઈ કરશે અને ડેટાની વિશ્વસનીયતા ચકાસશે. આ ઉપરાંત, ગ્રાહકોની માહિતી ક્યાંથી અને કેવી રીતે બહાર આવી હોવાની શક્યતા છે તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસના આધારે આગળની સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી પગલાં નક્કી કરવામાં આવશે.
SBIએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાને કારણે બેંકની મુખ્ય વ્યવસાયિક કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી અને બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે. જોકે, ડેટા લીકની આશંકાને પગલે ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
ગ્રાહકોએ અજાણ્યા નંબર પરથી આવતા ફોન, શંકાસ્પદ SMS, ઇમેઇલ અને લિંકથી સાવચેત રહેવું જોઈએ. બેંકના નામે કોઈ વ્યક્તિ OTP, ATM PIN, UPI PIN કે ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ માગે તો તે માહિતી ક્યારેય આપવી નહીં. જો કોઈ શંકાસ્પદ વ્યવહાર અથવા છેતરપિંડીનો પ્રયાસ જણાય, તો તરત જ બેંકની સત્તાવાર ચેનલ દ્વારા ફરિયાદ કરવી જોઈએ.
હાલમાં આ મામલે તપાસ ચાલુ છે. ડેટા લીકની હદ, તેના સંભવિત સ્ત્રોત અને ગ્રાહકો પર તેની વાસ્તવિક અસર અંગે વધુ સ્પષ્ટતા તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવાના નિયમો શું છે અને દુરુપયોગ માટે શું સજા છે?