રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે

ઓપેક દેશો હવે તેમના ઉત્પાદનને સામાન્ય સ્તરે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રોગચાળા દરમિયાન બળતણની માંગમાં ઘટાડો થતાં તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો.

રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે
OPEC will increase crude oil production
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:05 AM

નવા વર્ષમાં ક્રૂડ(Crude Oil)ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને લગભગ 82 ડોલર પ્રતિ બેરલ થયું હતું. આના મુખ્ય કારણો પુરવઠાની સમસ્યાઓ હતી. જોકે રાહતની વાત એ છે કે OPEC અને તેના સહયોગી દેશો ફેબ્રુઆરીથી એટલે કે આવતા મહિને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે. તેનાથી ભાવ મોરચે રાહત મળવાની અપેક્ષા છે.

મળતી માહિતી મુજબ બ્રેન્ટ ક્રૂડ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન 77.78 ડોલર પ્રતિ બેરલથી વધીને 81.75 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જે પાછલા સપ્તાહની સરખામણીએ 5.1 ટકા વધુ છે.

કિંમતોમાં વધારાના પરિબળ

સપ્લાય પર અસરને કારણે કિંમતો વધી રહી છે. કઝાકિસ્તાનમાં ચાલી રહેલી અશાંતિથી તેલના પુરવઠાને અસર થવાની ધારણા છે. કઝાકિસ્તાન ઓપેક અને તેના સાથી દેશોનું સભ્ય છે. આ ઉપરાંત લિબિયામાં તેલનું ઉત્પાદન ઘટીને લગભગ 7 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગયું છે. તેની અસર વાયદા બજારમાં ભાવ વધવાના સ્વરૂપમાં જોવા મળી રહી છે.

દૈનિક 4 લાખ બેરલ વધુ ઉત્પાદન કરાશે

સાઉદી અરેબિયા અને નોન-ઓપેક સભ્ય રશિયાની આગેવાની હેઠળના 23 સભ્યોના ઓપેક પ્લસ ગઠબંધનએ જણાવ્યું હતું કે તે ફેબ્રુઆરીમાં દરરોજ 400000 બેરલ વધુ ઉત્પાદન કરશે. નિષ્ણાતોના મતે ઓમિક્રોનના ઝડપી પ્રસારના સમાચારને પગલે નવેમ્બરના અંતમાં ક્રૂડ તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે હવે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનની ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે ત્યારે ઈંધણની માંગમાં પણ રિકવરી જોવા મળી રહી છે તેથી આગામી સમયમાં માંગમાં વધારો થવાની ધારણા છે.

ઉત્પાદનમાં વધારાથી કિંમતોમાં ઘટાડો થશે

ઓપેક દેશો હવે તેમના ઉત્પાદનને સામાન્ય સ્તરે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રોગચાળા દરમિયાન બળતણની માંગમાં ઘટાડો થતાં તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. હવે જ્યારે કિંમતો વધી રહી છે ત્યારે વિશ્વભરની મોટી અર્થવ્યવસ્થાઓ ઉત્પાદન વધારીને કિંમતોને નિયંત્રિત કરવાની માંગ કરી રહી છે. ભાવ વધારાને સ્થિર કરવા માટે યુ.એસ. અને અન્ય તેલ-વપરાશકર્તા દેશોએ નવેમ્બરના અંતમાં તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું હતું. જેણે કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. જો કે આ પગલાંની લાંબા ગાળાની અસર ન હતી. જે બાદ હવે દેશોએ તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો : એમેઝોને ફ્યુચર કૂપન્સની સાથે ડીલને સ્થગિત કરવાના નિર્ણયને પડકાર્યો, CCIના આદેશ સામે પહોંચી NCLT

 

આ પણ વાંચો : Budget 2022: રિયલ એસ્ટેટ કંપનીઓના એસોસિએશનની ટેક્સ છૂટની માગ, કહ્યુ- ઘરોની વધશે માગ