
ભારતીય રિઝર્વ બેંકે (RBI) ઝીરો-બેલેન્સ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે ફ્રી સુવિધાનો વ્યાપ વધાર્યો છે. રિઝર્વ બેંકે બેંકોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આ ખાતાઓને “Lesser” અથવા “Temporary” વિકલ્પ તરીકે ન ગણે પરંતુ તેમને નોર્મલ સેવિંગ એકાઉન્ટ જેવી જ સર્વિસ પૂરી પાડે.
જો કોઈ લેખિત અથવા ઓનલાઈન અરજી સબમિટ કરે છે, તો બેંકે 7 દિવસની અંદર સેવિંગ એકાઉન્ટને BSBD માં બદલવું આવશ્યક છે. આ નિર્દેશ આવતા વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંકોને એ પણ જણાવાયું છે કે, જો કોઈ ગ્રાહક વિનંતી કરે છે, તો તેના હાલના સેવિંગ્સ એકાઉન્ટને પણ BSBDA એકાઉન્ટમાં બદલી શકાય છે.
નવા નિયમો અનુસાર, દરેક BSBDA એકાઉન્ટમાં રોકડ જમા કરવાની, ઑનલાઇન અથવા ચેક દ્વારા રૂપિયા માંગવાની સુવિધા હોવી જોઈએ. આ ઉપરાંત, મહિનામાં ગમે તેટલી વાર રૂપિયા જમા કરાવવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
આ સર્વિસ ગ્રાહક માંગશે ત્યારે જ મળશે. બીજું કે, જેમની પાસે પહેલાથી જ BSBD ખાતું છે, તે લોકો રિક્વેસ્ટ કરશે તો તેમને પણ આ નવી મફત સુવિધાઓ મળી જશે. બેંક ઇચ્છે તો થોડાં વધારાના ફીચર્સ આપી શકે છે પરંતુ તેના માટે તેઓ ‘મિનિમમ બેલેન્સ’ રાખવાની શરત લાદી શકશે નહીં.
આ ફીચર લેવો કે નહીં, તે સંપૂર્ણ રીતે ગ્રાહક પર નિર્ભર રહેશે. BSBD એકાઉન્ટ ખોલવા માટે કોઈપણ રકમ જમા કરવાની જરૂર નથી. બેંકોએ ગ્રાહકની આવક અને પ્રોફાઇલના આધારે BSBD ખાતા ખોલવા માટે ચોક્કસ માપદંડ નક્કી કરવાનું સૂચન કર્યું હતું.
જો કે, રિઝર્વ બેંકે આ વાતને નકારી દીધી. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, આવી શરતો મૂકવાથી BSBD એકાઉન્ટનો હેતુ પૂર્ણ નહીં થાય. આનો ઉદ્દેશ્ય દરેકને સસ્તી બેંકિંગ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાનો છે.
Published On - 3:56 pm, Sat, 6 December 25