રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે કોટક બેંક પર 1 કરોડ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નિયમનકારી નિયમોનું પાલન કરવામાં શિથિલતાને કારણે આ દંડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંગે ખુદ રિઝર્વ બેંકે માહિતી આપી છે. ખાનગી ક્ષેત્રની બેંક ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank) સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્ડસઇન્ડ બેંક પર પણ એ જ આરોપ છે, જે કોટક મહિન્દ્રા પર લાગ્યા છે. આ બેંકોએ રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કર્યું ન હતું, જેના બદલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક સિવાય રિઝર્વ બેંકે દેશની ચાર સહકારી બેંકો સામે પણ દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે પોતાના આદેશમાં કહ્યું છે કે કોટક મહિન્દ્રા બેંક સામે 1.05 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ‘ધ ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ’ના અમુક નિયમોની ગેરસમજને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને લોન એડવાન્સના નિયમોના ઉલ્લંઘનમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ કહ્યું કે, KYC અથવા KYC નોર્મ્સ ન ફોલો કરવા બદલ ઈન્ડસઈન્ડ બેંક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે ચાર સહકારી બેંકો પર પણ દંડ લગાવ્યો છે. આ બેંકોમાં નવજીવન સહકારી બેંક, બાલનગીર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., બલનગિર, ધકુરિયા કો-ઓપરેટિવ બેંક લિ., કોલકાતા અને પલની કો-ઓપરેટિવ અર્બન બેંક લિ. (નં. A331), પલનીનો સમાવેશ થાય છે. કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક ઉપરાંત આ ચાર સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સહકારી બેંકો સામે 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકના ગ્રાહકોને દંડ કે કાર્યવાહીથી કોઈ અસર થશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને નિયમનકારી પાલનના અભાવે દંડ ફટકારવામાં આવ્યો છે અને તે ગ્રાહકોના કોઈપણ વ્યવહાર અથવા કરારને અસર કરશે નહીં. બેંક અને તેના ગ્રાહકો વચ્ચેનો કરાર પહેલાની જેમ જ ચાલુ રહેશે અને તેમાં કોઈ ક્ષતિ જોવા નહીં મળે.
રિઝર્વ બેંક સમયાંતરે આવી કાર્યવાહી કરતી રહે છે. મે મહિનામાં રિઝર્વ બેંકે મુંબઈની અભ્યુદય કોઓપરેટિવ બેંક સામે 58 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. એનપીએના નિયમોની અવગણના કરવા બદલ આ બેંક પર કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી NCR સ્થિત ગાઝિયાબાદની નોઈડા કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. રિઝર્વ બેંકે આ બેંક પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નોઇડા કો-ઓપરેટિવ બેંક સામે કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે તેણે ડિવિડન્ડ ચુકવણી સંબંધિત RBIની માર્ગદર્શિકાનું પાલન કર્યું ન હતું.