વીજ મંત્રાલયે શનિવારે આ ક્ષેત્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે કેટલાક નવા નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમોનો ઉદ્દેશ્ય પાવર સેક્ટરમાં (Power Sector) વિવિધ હિસ્સેદારો તરફથી નાણાકીય દબાણ ઘટાડવાનો અને ઊર્જા ઉત્પાદનના ખર્ચને ઝડપથી પહોંચી વળવાનો છે. એક નિવેદનમાં એમ જણાવાયું છે કે મંત્રાલયે પાવર સેક્ટરમાં સ્થિરતા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. તેના દ્વારા, ભારત આબોહવા પરિવર્તન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ પૂર્ણ કરી શકશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાવર સેક્ટરના રોકાણકારો અને અન્ય હિસ્સેદારો કાયદામાં ફેરફારને કારણે ખર્ચમાં વધારો, નવીનીકરણીય ઉર્જામાં ઘટાડો અને અન્ય સંબંધિત મુદ્દાઓને લઈને ચિંતિત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીજળી અધિનિયમ, 2003 હેઠળ વીજ મંત્રાલય દ્વારા સૂચિત નિયમો ગ્રાહકો અને અન્ય હિતધારકોના હિતમાં છે. આ નિયમોમાં વીજળી (કાયદામાં ફેરફારને કારણે ખર્ચની સમયસર વસૂલાત) નિયમો, 2021 નો સમાવેશ થાય છે. બીજો નિયમ વીજળીથી (નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પાદનને પ્રોત્સાહન આપવું) સંબંધિત છે.
સમયસર ચુકવણી કરવી જરૂરી છે
મંત્રાલયે કહ્યું કે કાયદામાં ફેરફારને કારણે, ખર્ચની વહેલી વસૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વીજ ક્ષેત્ર માટે સમયસર ચુકવણી જરૂરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઉર્જા બદલાઈ રહી છે. ભારતે આ ક્ષેત્રમાં પરિવર્તનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે 2022 સુધીમાં 175 ગીગાવોટ અને 2030 સુધીમાં 450 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
રીન્યુએબલ એનર્જીના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે
મંત્રાલયે કહ્યું કે આ નિયમો દેશને રિન્યુએબલ એનર્જી (Renewable Energy) ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. આ સાથે ગ્રાહકોને ગ્રીન અને ક્લીન એનર્જી ઉપલબ્ધ થશે. આ અંતર્ગત વીજ ઉત્પાદનનું નિયમન અથવા પુરવઠામાં કાપ એવા પાવર પ્લાન્ટ્સને લાગુ પડશે નહીં જેમનું સંચાલન થવું ફરજિયાત છે.