
જો તમે તમારી બચતને સુરક્ષિત સ્થાને રોકાણ કરવા માંગો છો અને શેરબજારના ઉતાર-ચઢાવથી દૂર રહેવા ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra – KVP) યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ કેન્દ્ર સરકાર સમર્થિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે, જેમાં નિર્ધારિત વ્યાજદરના આધારે તમારા રોકાણની રકમ સીધી બમણી (ડબલ) થાય છે.
KVP પર હાલમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજદર લાગુ છે, જેમાં વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ (કમ્પાઉન્ડિંગ) પદ્ધતિથી ગણાય છે. આ વ્યાજદર મુજબ તમારા નાણાં 115 મહિના (9 વર્ષ અને 7 મહિના) માં બમણા થઈ જાય છે.
| રોકાણ – વિગત | રકમ / સમયગાળો |
| પ્રારંભિક રોકાણ | ₹10,00,000 |
| વાર્ષિક વ્યાજદર | 7.5% (ચક્રવૃદ્ધિ) |
| મેચ્યોરિટી સમયગાળો | 115 મહિના (9 વર્ષ, 7 મહિના) |
| મેચ્યોરિટી પર મળવાપાત્ર રકમ | ₹20,00,000 |
| કુલ ચોખ્ખો નફો/વ્યાજ | ₹10,00,000 |
KVP માં લઘુત્તમ ₹1,000 જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. ત્યારબાદ ₹100 ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી અને એક વ્યક્તિ પોતાના નામે ગમે તેટલા KVP ખાતા ખોલાવી શકે છે.
ભારતનો કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. પુખ્ત વયની વ્યક્તિ પોતાના નામે, જોઈન્ટ એકાઉન્ટ અથવા 10 વર્ષથી વધુ ઉંમરના સગીર (માઇનોર) વતી માતા-પિતા કે વાલી તરીકે પણ ખાતું ખોલાવી શકે છે.
KVP માં રોકાણ કરવા માટે નજીકની પોસ્ટ ઓફિસ કે અધિકૃત બેંકમાં જઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓળખ અને સરનામાના પુરાવા માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ (PAN Card), પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો જોડવાના રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ KVP સર્ટિફિકેટ/પાસબુક જારી કરવામાં આવે છે.
નોંધ: વ્યાજદર અને સમયગાળાની ગણતરી વર્તમાન 7.5% વ્યાજદર આધારિત છે. સરકાર દ્વારા વખતોવખત વ્યાજદરમાં કરવામાં આવતા સુધારા મુજબ મેચ્યોરિટી સમયગાળામાં ફેરફાર થઈ શકે છે.