
પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ભારતમાં સારા સમાચાર આવી શકે છે. અમેરિકન ફાઇનાન્શિયલ જાયન્ટ JPMorgan ના અંદાજ મુજબ આવતા વર્ષોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. જેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અડધા થઈ શકે છે.
JPMorgan અનુસાર, આગામી ત્રણ વર્ષમાં વૈશ્વિક સ્તરે તેલની માંગ તો વધશે, પરંતુ તેનું ઉત્પાદન વધુ ઝડપથી વધશે. ખાસ કરીને OPEC+ દેશો ઉપરાંત અન્ય મોટા દેશો પણ ક્રૂડનું ઉત્પાદન વધારશે. ઉત્પાદનમાં આ વધારાને કારણે બજારમાં પુરવઠો વધી જશે અને કુદરતી રીતે ભાવ ઘટશે.
ભારત પોતાની તેલ જરૂરિયાતનો 85% થી વધુ હિસ્સો આયાત કરે છે. તેથી જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તુ થાય છે, ત્યારે તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે છે.
જો ક્રૂડના ભાવ અડધા થાય, તો સરકારનો ખર્ચ ઘટશે અને તેલ કંપનીઓને પણ નફો થશે. એવી આશા છે કે આ નફો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.
JPMorgan ના અંદાજ મુજબ 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ $42 સુધી આવી શકે છે, અને વર્ષના અંત સુધી તે $30 થી ઓછા પણ થઈ શકે છે.
હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ $60 પ્રતિ બેરલથી વધુ છે, એટલે ભાવોમાં અડધો ઘટાડો શક્ય બનાવે છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં પણ મોટો ફેરફાર આવી શકે છે.
JPMorgan એ આ આગાહી તે ધારણાના આધારે કરી છે કે 2027 સુધી વધેલા વૈશ્વિક પુરવઠાનો મોટો હિસ્સો.. ડીપ-સી ઑઇલ પ્રોજેક્ટ્સ, નવી ટેકનોલોજી, અને શેલ ઓઇલના ઉત્પાદનમાં વધારા માંથી આવશે.
ડીપ-સી ઑઇલ ડ્રિલિંગ હવે વધુ સસ્તી અને વિશ્વસનીય પદ્ધતિ બની ગઈ છે. 2029 સુધી માટે જરૂરી મોટાભાગના ઑઇલ પ્રોડક્શન શિપ્સ પણ બુક થઈ ચૂક્યા છે, જે ઉત્પાદન વૃદ્ધિને મજબૂત કરે છે.