
આજના સમયમાં અચાનક નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે મોટાભાગના લોકો પર્સનલ લોનનો સહારો લે છે. પરંતુ ઘણી વખત સારી આવક અને સ્થિર નોકરી હોવા છતાં પણ બેંકો લોન અરજી નકારી દે છે. ઘણા લોકો માને છે કે તેનું એકમાત્ર કારણ ઓછો ક્રેડિટ સ્કોર છે, પરંતુ હકીકતમાં બેંકો લોન મંજૂર કરતા પહેલાં અનેક નાણાકીય પાસાઓનું મૂલ્યાંકન કરે છે.
જો તમારી પર્સનલ લોન અરજી રિજેક્ટ થઈ હોય તો નિરાશ થવાની જરૂર નથી. સૌથી પહેલાં તેનું સાચું કારણ જાણો અને જરૂરી સુધારા કરો. યોગ્ય આયોજન અને સારી નાણાકીય આદતો અપનાવવાથી આગામી વખતે લોન મંજૂર થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.
લોન રિજેક્ટ થયા પછી તમારે સૌપ્રથમ તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસવો જોઈએ. ઘણી વખત જૂની લોન બંધ થઈ ગઈ હોવા છતાં તે સક્રિય દેખાતી હોય છે અથવા ક્રેડિટ કાર્ડનું જૂનું બાકી બિલ રિપોર્ટમાં દર્શાવાતું રહે છે. આવી ભૂલો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે. જો કોઈ ખામી જોવા મળે તો સંબંધિત ક્રેડિટ બ્યુરો પાસે તેને સુધરાવવી જરૂરી છે.
બેંકો માત્ર તમારા જૂના રેકોર્ડ જ નહીં પરંતુ તાજેતરની ચુકવણીની આદતો પણ તપાસે છે. જો તમે તમામ EMI અને ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવો છો તો તમારી નાણાકીય વિશ્વસનીયતા વધે છે. નિયમિત અને સમયસર ચુકવણી કરવાથી ધીમે-ધીમે તમારો ક્રેડિટ સ્કોર પણ સુધરવા લાગે છે.
જો તમારી માસિક આવકનો મોટો હિસ્સો પહેલેથી જ વિવિધ લોનની EMI ચૂકવવામાં જતો હોય તો બેંક નવી લોન મંજૂર કરવામાં સંકોચ અનુભવી શકે છે. તેથી નવી લોન માટે અરજી કરતાં પહેલાં શક્ય હોય ત્યાં સુધી જૂનું દેવું ઘટાડવાનો પ્રયાસ કરો. તેનાથી તમારી ચૂકવણી કરવાની ક્ષમતા વધુ મજબૂત દેખાશે.
એક બેંકમાંથી અરજી નકારવામાં આવે એટલે તરત જ બીજી અને ત્રીજી બેંકમાં અરજી કરવી યોગ્ય નથી. ટૂંકા સમયગાળામાં ઘણી લોન માટે અરજી કરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઇલ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી પહેલાં અસ્વીકારનું કારણ સમજો, તેમાં સુધારો કરો અને ત્યારબાદ જ ફરી અરજી કરો.
એકસરખો ક્રેડિટ સ્કોર ધરાવતા બે અરજદારો માટે પણ બેંકનો નિર્ણય અલગ હોઈ શકે છે. બેંકો માત્ર ક્રેડિટ સ્કોર જ નહીં પરંતુ નોકરીની સ્થિરતા, માસિક આવક, હાલનું દેવું, ચુકવણી કરવાની ક્ષમતા અને અન્ય નાણાકીય પરિબળોનું પણ મૂલ્યાંકન કરે છે. તેથી એક બેંક અરજી નકારી દે તો બીજી બેંક મંજૂર પણ કરી શકે છે.
જો તમે ભવિષ્યમાં પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો નિયમિત રીતે તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસો, તમામ EMI અને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો, બિનજરૂરી દેવું લેવાનું ટાળો અને ટૂંકા સમયગાળામાં અનેક બેંકોમાં લોન માટે અરજી ન કરો. સારી નાણાકીય શિસ્ત જાળવવાથી માત્ર તમારો ક્રેડિટ સ્કોર સુધરશે નહીં, પરંતુ આગામી વખતે પર્સનલ લોન સરળતાથી મંજૂર થવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.
સૌથી સ્ટ્રોંગ દારૂ કયો? જાણો વિશ્વની સૌથી વધુ આલ્કોહોલ ધરાવતી બ્રાન્ડ વિશે