
મહિનાની શરૂઆતમાં પગાર આવતા જ બેંક એકાઉન્ટ ભરેલું નજરે પડે છે પરંતુ મહિનાના અંત સુધીમાં પૈસા ક્યાં ખર્ચાઈ ગયા, તેનો હિસાબ લગાવવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય અને રોજિંદા UPIથી નાના-મોટા પેમેન્ટ થતા હોય.
હવે Paytm એ આ મુશ્કેલીને દૂર કરવા માટે એવા ફીચર્સ રજૂ કર્યા છે, જેની મદદથી યુઝર્સ એક જ જગ્યાએ તમામ લિંક્ડ બેંક ખાતાઓનું કુલ બેલેન્સ જોઈ શકે છે. એટલું જ નહીં, મહિના દરમિયાન ક્યાં અને કેટલા પૈસા ખર્ચાયા? તેની માહિતી પણ મળશે. આ સાથે જ, જે પેમેન્ટને તમે બીજાથી છુપાવીને રાખવા માંગો છો, તેને પ્રાઇવેટ રાખવાની સુવિધા પણ મળશે.
જો તમારી પાસે બે કે ત્રણ બેંક એકાઉન્ટ છે, તો તેમાં જમા કુલ રકમનો અંદાજ લગાવવા માટે હવે અલગ-અલગ બેંકિંગ એપ ખોલવાની જરૂર નહીં પડે. Paytm ના Balance & History સેક્શનમાં Total Balance ફીચર આપવામાં આવ્યું છે. આ લિંક્ડ બેંક ખાતાઓમાં રહેલી રકમને એક જ જગ્યાએ દર્શાવે છે.
આ માટે યુઝર્સે દરેક બેંક એકાઉન્ટને UPI PIN દ્વારા વેરિફાય કરવું પડશે. આ પછી એપ તમામ ખાતાના બેલેન્સને ઉમેરીને સ્ક્રીન પર કુલ રકમ દર્શાવે છે. આનાથી તમને તરત જ ખબર પડી જશે કે તમારા તમામ લિંક્ડ બેંક ખાતાઓમાં કુલ કેટલા પૈસા છે.
ઘણી વખત આપણે એવું પેમેન્ટ કરીએ છીએ, જે બીજા સામે દર્શાવવા (જેમ કે, કોઈના માટે ખરીદેલી ગિફ્ટ, મેડિકલ ખર્ચ અથવા કોઈ પર્સનલ મની ટ્રાન્સફર કરેલ હોય) નથી માગતા.
આવા પેમેન્ટ માટે Paytm માં Hide Payments ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની પસંદગીની પેમેન્ટ એન્ટ્રીને મુખ્ય હિસ્ટ્રીમાંથી હટાવીને એક અલગ પ્રોટેક્ટેડ સેક્શનમાં રાખી શકે છે.
જો કે, આનાથી પેમેન્ટ ડિલીટ નથી થતું અને ન તો ટ્રાન્ઝેક્શનમાં કોઈ ફેરફાર થાય છે. છુપાવેલા પેમેન્ટને પાછળથી ફોનના PIN અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા જોઈ શકાય છે.
આનાથી યુઝર્સને પોતાની પેમેન્ટ હિસ્ટ્રીની પ્રાઇવસી પર વધુ કંટ્રોલ મળે છે. આ ઉપરાંત યુઝર્સ પોતાના પેમેન્ટ સ્ટેટમેન્ટને PDF અથવા Excel ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકે છે. આ સુવિધા ઘણા લોકો માટે મદદરૂપ સાબિત થશે.