હવે ડીમેટ ખાતામાં રાખો ‘અસલી સોનું’, જાણો NSE ના નવા EGR ના ફાયદા

સોનું હંમેશા ભારતીયો માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. હવે ટેકનોલોજીના કારણે સોનું ખરીદવાની રીત બદલાઈ છે. NSE દ્વારા શરૂ કરવામાં આવેલ EGR (Electronic Gold Receipts) એક એવી સુવિધા છે, જેમાં તમે અસલી સોનાને ઘરે રાખવાને બદલે તમારા ડીમેટ ખાતામાં સુરક્ષિત રીતે રાખી શકો છો.

હવે ડીમેટ ખાતામાં રાખો અસલી સોનું, જાણો NSE ના નવા EGR ના ફાયદા
| Updated on: May 12, 2026 | 8:31 PM

ભારતમાં સોનું માત્ર ઘરેણાં બનાવવા માટે જ નહીં પરંતુ મુશ્કેલ સમયના સૌથી વિશ્વસનીય સાથી તરીકે માનવામાં આવે છે. આ લગાવને ધ્યાનમાં રાખીને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) રોકાણની એક આધુનિક રીત રજૂ કરી છે, જેને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ (EGR) કહેવામાં આવે છે. આ ફિઝિકલ ગોલ્ડની ચમક અને ડિજિટલ ટ્રેડિંગની સુવિધાનું એક ઉત્તમ મિશ્રણ છે.

શું છે આ EGR અને તે કેવી રીતે કામ કરે છે?

સરળ ભાષામાં કહીએ તો, EGR એ સોનાનું ડિજિટલ સ્વરૂપ છે. ટૂંકમાં, જ્યારે તમે તેને ખરીદો છો, ત્યારે તમે વાસ્તવમાં ફિઝિકલ ગોલ્ડ ખરીદી રહ્યા હોવ છો, જે SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત સુરક્ષિત વોલ્ટ (તિજોરીઓ) માં જમા રહે છે. તે તમારા ડીમેટ એકાઉન્ટમાં શેરની જેમ દેખાય છે.

આની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે સંપૂર્ણપણે અસલી સોના દ્વારા સમર્થિત છે, એટલે કે તમે જેટલું રોકાણ કર્યું છે, તેટલું સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું છે. તમે ઈચ્છો ત્યારે આ ડિજિટલ રસીદ વેચી શકો છો અથવા તેને પરત આપીને અસલી સોનું (Physical Delivery) મેળવી શકો છો.

કેમ તે અન્ય ડિજિટલ ગોલ્ડ કરતા અલગ અને શ્રેષ્ઠ છે?

બજારમાં ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે પરંતુ EGR કેટલીક બાબતોમાં બાજી મારી જાય છે. સૌથી મોટો તફાવત રેગ્યુલેશનનો છે, જ્યાં સામાન્ય ડિજિટલ ગોલ્ડ પર કોઈ સરકારી સંસ્થાનું સીધું નિયંત્રણ હોતું નથી, ત્યાં EGR સંપૂર્ણપણે SEBI ના દાયરામાં આવે છે, જેનાથી છેતરપિંડીની શક્યતા ખતમ થઈ જાય છે. આ સિવાય, ગોલ્ડ ETF માં ફિઝિકલ ડિલિવરી મેળવવામાં ઘણી જટિલતાઓ હોય છે, જ્યારે EGR માં તમે તમારી મરજી મુજબ ગમે ત્યારે ફિઝિકલ ગોલ્ડ મેળવી શકો છો.

સામાન્ય માણસ માટે તેમાં શું ખાસ ફાયદા છે?

  1. EGR ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, કોલેજ સ્ટુડન્ટથી લઈને ગૃહિણી સુધી દરેક તેમાં રોકાણ કરી શકે.
  2. નાનું રોકાણ: તમે માત્ર 1 ગ્રામથી લઈને 1 કિલો સુધીના સોનામાં રોકાણ કરી શકો છો.
  3. શુદ્ધતાની ગેરંટી: તેમાં માત્ર 995 અને 999 શુદ્ધતાવાળું સ્ટાન્ડર્ડ સોનું જ મળે છે.
  4. પારદર્શિતા: એક્સચેન્જ પર લિસ્ટેડ હોવાને કારણે તેની કિંમતો એકદમ સચોટ અને પારદર્શક હોય છે.
  5. મોંઘવારી સામે લડવાનું સાધન: લાંબાગાળે તે પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે અને મોંઘવારીની અસર ઘટાડે છે.

ટેક્સ અને નફાનું ગણિત શું કહે છે?

રોકાણ કરતા પહેલા ટેક્સને સમજવો જરૂરી છે. જો તમે તમારા EGR ને ડીમેટ ખાતામાં 24 મહિના (2 વર્ષ) થી વધુ સમય માટે રાખો છો, તો નફા પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. બીજી તરફ, જો તમે તેને ઓછા સમયમાં વેચો છો, તો થતો નફો તમારા ઇન્કમ સ્લેબ મુજબ ટેક્સ હેઠળ આવશે. ઓછી કિંમત અને વધુ સુરક્ષાને કારણે તે નાના અને મોટા (HNI) બંને પ્રકારના રોકાણકારો માટે એક પારદર્શક વિકલ્પ બનીને ઉભર્યો છે.

નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ ! ₹770 સુધી પહોંચી શકે છે આ શેરનો ભાવ, શું તમે આ જ્વેલરી સ્ટોક ખરીદવાનું ચૂક્યા તો નથી ને?

Follow Us