Jharkhand : ટાટા સ્ટીલે તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે ટાટા સ્ટીલના કર્મચારીઓ ચોક્કસ સમયગાળા માટે કંપનીમાં સેવા આપ્યા બાદ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે. આ માટે કંપનીએ ‘જોબ ફોર જોબ’ સ્કીમ બહાર પાડી છે. સાથે કંપની ESS (Early Separation Scheme) પણ શરૂ કરી રહી છે, જે અકાળે નિવૃત્ત થનારાઓને આકર્ષક લાભો આપવાની યોજના છે. આ બંને યોજનાઓને કંપનીએ ‘ગોલ્ડન ફ્યુચર સ્કીમ’ નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાઓ 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.
‘જોબ ફોર જોબ’ સ્કીમ અંતર્ગત કર્મચારીઓને મળશે આ લાભ
કંપનીએ આ માટે પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓને યોજનાની જાણ કરી છે. સૂત્રો અનુસાર ‘જોબ ફોર જોબ’ સ્કીમ (Job For Job) હેઠળ કર્મચારીઓ તેમની નોકરી તેમના પુત્ર, પુત્રી, જમાઈ અથવા અન્ય કોઈ વ્યક્તિને આશ્રિત તરીકે ટ્રાન્સફર કરી શકશે. તમને જણાવી દઈએ કે, આશ્રિતને શરૂઆતમાં એપ્રેન્ટિસ તરીકે રાખવામાં આવશે. ઉપરાંત તાલીમ (Training) બાદ તેણે પરીક્ષા પણ પાસ કરવાની રહેશે. તે બાદ જ તેની નોકરી કાયમી કરવામાં આવશે. તેમજ પરીક્ષામાં નાપાસ થનાર આશ્રિતને નોકરીથી વંચિત રહેવું પડશે.
પોતાની જોબ ટ્રાન્સફર કરવા માટે કર્મચારીની ઉંમર આટલી હોવી જોઈએ
કંપનીના કાયમી કર્મચારીઓમાંથી 3500 કર્મચારીઓ છે, જેમની ઉંમર 52 વર્ષથી વધુ છે. જોબ ફોર જોબ સ્કીમ હેઠળ તેઓ પોતાની નોકરી આશ્રિતોને ટ્રાન્સફર (Job Transfer) કરી શકે છે. જો કે આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીની લઘુત્તમ 52 વર્ષની વય ફરજિયાત રહેશે. તેમજ ESS યોજના હેઠળ કામદારોની ઓછામાં ઓછી 45 વર્ષની વય નક્કી કરવામાં આવી છે.
શું બંને યોજનાનો કર્મચારી લાભ લઈ શકશે ?
ઉપરાંત બંને યોજનાઓનો એક સાથે લાભ લેતા કર્મચારીઓની લઘુત્તમ વય મર્યાદા 50 વર્ષ રાખવામાં આવી છે. જો કોઈ કર્મચારીની ઉંમર 50 વર્ષની હોય અને નોકરી માટે ESS અને ‘જોબ ફોર જોબ’ બંનેનો લાભ મેળવવા ઈચ્છતો હોય, તો તેણે અરજી કરતી વખતે ફોર્મમાં સ્વીચ ઓવર વિકલ્પ પર ટિક કરવાનુ રહેશે. આવા કર્મચારીને 55 વર્ષ સુધી વર્તમાન બેઝિક-ડીએની (Basic DA) કુલ રકમ મળતી રહેશે અને 55 વર્ષ બાદ આશ્રિત ટાટા સ્ટીલમાં જોબ માટે અરજી કરી શકશે.
આ પણ વાંચો : Stock Update : શેરબજારમાં નરમાશ વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર – ચઢાવ? જાણો અહેવાલમાં