Multibagger Stock 2021: શેરબજારમાં રોકાણ કરી તરત નફાની દોડ લગાવવાના સ્થાને રોકાણને હોલ્ડ રાખવાના ઘણીવાર ફાયદા થાય છે. અતુલ લિમિટેડ(Atul Limited)ના શેરે રોકાણ કરી લાંબો સમય ઇંતેજાર કરનારાઓને માલામાલ બનાવ્યા છે. 13 સપ્ટેમ્બર, 2001 ના રોજ, કેમિકલ સેક્ટરના અતુલ લિમિટેડના શેરની કિંમત 11.30 રૂપિયા હતી જે હવે વધીને 9,250 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. તે 20 વર્ષના ગાળામાં લગભગ 818 ગણો વધ્યો છે. છેલ્લા એક મહિનામાં અતુલના શેરનો ભાવ રૂ 8,864.05 થી વધીને રૂ 9,250 થયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 4.35 ટકાનો વધારો નોંધાયો છે.
6 મહિનામાં કેટલું મળ્યું રિટર્ન?
છેલ્લા 6 મહિનામાં, આ કેમિકલ સ્ટોકનો ભાવ રૂ 6784.05 થી વધીને રૂ 9,250 થયો છે. આ સમયગાળા દરમિયાન 36.35 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં અતુલના શેરમાં 47 ટકાનો વધારો થયો છે જ્યારે અતુલના શેરના ભાવમાં છેલ્લા પાંચ વર્ષમાં 325 ટકાનો વધારો થયો છે. પરંતુ છેલ્લા વીસ વર્ષમાં શેરની કિંમત 11.30 રૂપિયા પ્રતિ શેરથી વધીને 9,250 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન સ્ટોક 818 ગણો વધ્યો છે.
20 વર્ષમાં 1 લાખના 8.18 કરોડ રૂપિયા બન્યા
જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ કેમિકલ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ રૂપિયા આજે 1.04 લાખ રૂપિયા થઈ ગયા હશે. જો રોકાણકારે 6 મહિના પહેલા તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને આજ સુધી રોકાણ રાખ્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.36 લાખ રૂપિયા થઈ ગયા હશે.
એ જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા અતુલના શેરમાં રૂ 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.47 લાખ રૂપિયા થઈ ગયા હશે. જો કે કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા અતુલના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે અને હજુ પણ આ કંપનીમાં શેર ધરાવે છે તો તે આજે કરોડપતિ ગણાશે કારણ કે તેના 1 લાખ રૂપિયા આજે 8.18 કરોડ રૂપિયા બની ગયા હશે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે?