
MS Dhoni Business Empire : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, પરંતુ બિઝનેસની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ક્રિકેટમાં શાનદાર કારકિર્દી બનાવ્યા બાદ ધોનીએ રોકાણ, સ્ટાર્ટઅપ્સ, રિયલ એસ્ટેટ, ખેતી અને અન્ય વ્યવસાયોમાં પણ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમની અંદાજિત કુલ સંપત્તિ 1,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા ક્રિકેટમાં જ નહીં પરંતુ તેની બહાર પણ જોવા મળે છે. અનેક નાની મોટી કંપનીઓ તેમને પોતાના બ્રાન્ડના ચહેરા તરીકે પસંદ કરે છે. જે Krollની 2025ની સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ અનુસાર, તેમની બ્રાન્ડ વેલ્યુ 115.3 મિલિયન ડોલર હોવાનું જણાવાયું છે. જાહેરાતો તેમની આવકનો મહત્ત્વનો સ્ત્રોત છે.
જાહેરાતો અને ક્રિકેટ પુરતી ધોનીની આવક સિમિત નથી. મીડિયા અહેવાલો અનુસાર ધોનીએ અલગ-અલગ પ્રકારના નાના-મોટા ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે. તેમના રોકાણની જો વાત કરીએ તો BluSmart, Khatabook, CARS24, Garuda Aerospace, EMotorad, Rigi, Shaka Harry અને 7Ink Brews સહિતનાં નામ જોડાયેલાં છે. આ કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો, ફિનટેક, ડ્રોન ટેક્નોલોજી, સ્પોર્ટ્સ ટેક્નોલોજી અને ફૂડ બિઝનેસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.
ધોનીનું રાંચી સ્થિત ફાર્મહાઉસ પણ ચર્ચામાં રહે છે. અહેવાલો અનુસાર, સાંબો વિસ્તારમાં આવેલા આ ફાર્મની જમીન આશરે 43થી 55 એકર છે. અહીં ફળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. જેમાં કેરી, પાઈનેપલ, જામફળ, પપૈયા અને સ્ટ્રોબેરી સહિત વિવિધ ફળો ઉગાડવામાં આવે છે. સાથે ટામેટાં, વટાણા, બ્રોકોલી અને અન્ય શાકભાજીની ખેતી પણ થાય છે. અહીં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
મીડિયા અહેવાલો અનુસાર ધોની ખેતી ઉપરાંત મરઘાપાલનમાં પણ રસ દાખવ્યો હતો. એપ્રિલ 2022માં ઝાબુઆની સહકારી સંસ્થાએ તેમના ફાર્મહાઉસ માટે 2,000 કડકનાથ મરઘીનાં બચ્ચાં મોકલ્યાં હતાં. કડકનાથ પોતાની કાળી રંગત અને વિશિષ્ટ માંસ માટે જાણીતી છે.
ધોનીના ફાર્મહાઉસમાં ડેરી વ્યવસાય પણ ચાલતો હોવાના અહેવાલ છે. વર્ષ 2021ના એક અહેવાલ પ્રમાણે, ત્યાં આશરે 73 ગાયો હતી અને દૂધ રાંચીના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું. આમ, ધોનીએ ક્રિકેટની કમાણીનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે કર્યો છે. તેમની સફર બતાવે છે કે ક્રિકેટની સફળતાની સાથે વ્યવસાયિક ક્ષેત્રમાં પણ વૈવિધ્યસભર રોકાણ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી શકાય છે.
આ પણ વાંચો : IPLની એ ટીમ જેને કેપ્ટન ધોની ક્યારેય હરાવી શક્યો નહીં, જાણો તમામ ટીમો સામે કેવો છે ‘થાલા’નો રેકોર્ડ