MONEY9: ઘર ખરીદવું છે તો રહેજો સાવધાન, નહીં તો ઉતરી જશો ખોટના ખાડામાં
પ્રોપર્ટીનો સોદો ઘણો જટીલ હોય છે. આથી, સોદો કરતાં પહેલાં તેની સાથે જોડાયેલાં તમામ પાસાં અંગે કોઈ સારા વકીલની સલાહ લેવી જોઈએ. પ્રોપર્ટી ડીલ કરવામાં નાનકડી ભૂલ ભવિષ્યમાં તમને મોટા ખાડામાં ઊતારી શકે છે.
અમદાવાદની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતાં ગગને ઓફિસની પાસે જ 60 લાખ રૂપિયામાં એક ફ્લેટનો સોદો કર્યો હતો. તેમણે રિસેલ પ્રોપર્ટી (PROPERTY) માટે સોદો (DEAL) કર્યો હતો અને બાનાખત વખતે 10 ટકા રકમનું બાનુ પણ આપી દીધું હતું. પરંતુ આ મકાન વિવાદાસ્પદ છે, કારણ કે, તેના માટે બે ભાઈઓ વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે, એટલે દસ્તાવેજ (SALES DEED) જ બન્યા નથી. તેમણે ગગન પાસેથી બાનાની રકમ તો લઈ લીધી છે અને હવે, આ પૈસા પાછા આપતાં નથી.
વાસ્તવમાં, ગગને પ્રોપર્ટી બ્રોકર પર આંખો મીંચીને ભરોસો કર્યો હતો અને સોદો કરવા તૈયાર થયો હતો. ગગનની જેમ મોટા ભાગના લોકો પ્રોપર્ટી ખરીદતી વખતે આવી ભૂલ કરી બેસે છે અને બ્રોકર જે બોલે તે સાચું માની લે છે અને તેની પાસે જ બાનાખત પણ બનાવડાવી લે છે. ગ્રાહકના ભરોસાનો દુરુપયોગ કરીને બ્રોકરો વધુ પૈસા કમાવવાની લાલચમાં વિવાદાસ્પદ સંપત્તિનો સોદો કરાવી દે છે, પણ ખરીદદાર માટે આવો સોદો ભવિષ્યમાં માથાનો દુઃખાવો બની જાય છે.
બ્રોકર પર ના કરો આંધળો વિશ્વાસ
બાનાખત બનાવવા માટે બ્રોકર ઘણી વાર કોઈ જૂના ડોક્યુમેન્ટ્સમાં થોડા-ઘણા સુધારા કરીને કાગળ તૈયાર કરાવી લે છે. આમાં ઘણી વખત અન્ય કોઈ એગ્રીમેન્ટની શરતો ખરીદદારના એગ્રીમેન્ટમાં સામેલ થઈ જાય છે, અને પરિણામે, સંપત્તિ ખરીદનાર વ્યક્તિએ મુશ્કેલીઓનો ભોગ બનવાનો વારો આવે છે.
કાનૂની નિષ્ણાતની સલાહ લો
તમે જે પ્રોપર્ટી ખરીદો, તેને લઈને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય, તે માટે સોદો કરતાં પહેલાં પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈ સારા વકીલની સલાહ લેવી જોઈએ. વકીલ તમને પ્રોપર્ટીની કાયદાકીય સ્થિતિ અને એગ્રીમેન્ટ-ટુ-સેલના વિવિધ પરિબળ સમજાવવામાં મદદરૂપ થઈ શકે છે. હા, તમારે તેના માટે વકીલને ફી તો ચૂકવવી પડશે, પરંતુ ભવિષ્યના જોખમોથી બચવું હોય, તો આ ખર્ચ કરી લેવો સારો.
મહેનતથી કરીને ભેગા કરેલા છે રૂપિયા
લોકો ઘર ખરીદવા માટે વર્ષોની મહેનત કરીને ભેગી કરેલી બચતનો જ ઉપયોગ કરતાં હોય છે. હોમલોન લીધી હશે, તો EMIના સ્વરૂપમાં ભવિષ્યની એક મોટી બચત તેની પાછળ ખર્ચાઈ જશે. આમ, મોટા ભાગનાં લોકો માટે ઘરની ખરીદી આજીવન રોકાણ બની રહે છે. સંપત્તિના સોદા સાથે જોડાયેલા કાયદા જટિલ છે અને ઘણા કિસ્સામાં તો નિષ્ણાતો પણ ગોથે ચઢી જાય છે.
સજાગ રહેજો
જો પ્રોપર્ટી ખરીદવા માટે તમે બેન્ક પાસેથી લોન લેતા હશો, તો તમારી મુશ્કેલી થોડીક ઓછી તો, ચોક્કસપણે થઈ જશે. કારણ કે, લોન આપતાં પહેલાં બેન્કો તે પ્રોપર્ટીની ચકાસણી કરે છે. પ્રોપર્ટીના કાનૂની અધિકાર વેચનાર પાસે છે કે નહીં, અને પ્રોપર્ટીના માથે કોઈ બોજો તો નથી ને, વગેરે બાબતોની ચકાસણી કરીને બેન્ક લોન આપતી હોય છે. પરંતુ બેન્ક માત્ર ત્યાં સુધી જ તપાસ કરે છે જ્યાં સુધી તેનું હિત જોડાયેલું હોય છે. જો બેન્કનું હિત સંપત્તિના ખરીદદાર સાથે નહીં જોડાયેલું હોય, તો બેન્ક કોઈ પરવાહ નહીં કરે. આથી, જરૂરી છે કે, પ્રોપર્ટી સાથે જોડાયેલાં તમામ પાસાંની ચકાસણી પોતાની રીતે કરી લેવી અને કાનૂની સલાહ લઈ લેવી. જો પહેલેથી સજાગ રહેશો, તો ભવિષ્યનાં ખોટા ખર્ચા અને માનસિક અશાંતિથી બચી શકશો.
નિષ્ણાતનું મંતવ્ય
આ અંગે ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે, જો કોઈ ગંભીર બીમારી હોય તો, આપણે એક ડોક્ટરની વાતનો ભરોસો કરતાં નથી અને સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ. ખોટી સારવાર ન થઈ જાય અને ભવિષ્યમાં શરીર પર આડઅસર ન પડે તેનાથી બચવા માટે આપણે આવું કરીએ છીએ. બસ, આ જ નિયમ પ્રોપર્ટીના સોદા સાથે પણ જોડાયેલો છે. તમે જેની પાસેથી લોન લઈ રહ્યાં છો, તેનો વકીલ કેટલો સક્ષમ હશે તેની તમને ખબર નહીં હોય, એટલે બીજા વકીલ પાસેથી કાનૂની સલાહ લેવી જરૂરી છે.
મની નાઈનની સલાહ
મહેનતથી ભેગી કરેલી બચત અને તેના દ્વારા ખરીદેલી પ્રોપર્ટીને લઈને ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે, પ્રોપર્ટી ખરીદતાં પહેલાં કાનૂની સલાહકાર પાસેથી તમામ બાબતો અંગે સલાહ મેળવવી જોઈએ. પછી, ભલે ને તેના માટે થોડો-ઘણો ખર્ચ કેમ ન કરવો પડે.!
આ પણ જુઓ
ઘર પસંદ કરો, તેની પહેલાં કરી લો આ કામ
આ પણ જુઓ