MONEY9: હોમ લોન ભરવાનો વેત ન રહે ત્યારે શું કરશો ? જો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરે, તો કયા વિકલ્પ અપનાવશો ?

| Edited By: | Updated on: Mar 30, 2022 | 4:33 PM

જો તમે બેન્ક લોન લઈને ઘર ખરીદ્યું હોય, તો નિયમિત હપ્તા ભરવા જરૂરી છે. જો સતત ત્રણ હપ્તા નહીં ભરો, તો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરીને પ્રોપર્ટીનો કબજો લઈને તેને વેચી શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ ?

કોરોનાની બીજી લહેરે છીનવી લીધી ગોવિંદની નોકરી, અને હોમલોન (HOME LOAN)ના હપ્તા ભરવાનું થઈ ગયું બંધ. એટલે, હવે બેન્ક  (BANK) તેના ઘરના દરવાજે હરાજીની નોટિસ ચોંટાડીને ગઈ છે. આ સમસ્યા એકલા ગોવિંદની નથી, પણ ભારતનાં ઘણા લોકોની છે. કોરોના મહામારીનો સૌથી ગંભીર ફટકો રોજગારીને પડ્યો છે અને નોકરી બંધ થવાથી હપ્તા (EMI) ભરવાનું મુશ્કેલ થઈ ગયું છે.

આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે, 31 માર્ચ, 2021 સુધી હોમલોનનું કદ 22.4 લાખ કરોડ રૂપિયા હતું જ્યારે સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા મુજબ, બેન્કોના કુલ ઋણનો 6.1 ટકા હિસ્સો NPA હતો, જે સપ્ટેમ્બર 2022 સુધીમાં વધીને 8.1 ટકા થવાનો અંદાજ છે. તેમાં પણ મહત્તમ હિસ્સો તો હોમલોનનો છે. જો તમે પણ હોમલોનના હપ્તા ભરી શકતા નથી, તો જાણી લેવું જોઈએ કે આવી સ્થિતિમાં તમારી પાસે કયા વિકલ્પો છે?

બેન્ક પાસે કયા અધિકાર છે?
આરબીઆઈના નિયમો હેઠળ, જો કોઈ વ્યક્તિ 90 દિવસ સુધી હોમ લોનના હપ્તા ન ભરે, તો બેન્ક તેની સંપૂર્ણ લોનને NPA કેટેગરીમાં નાખી દે છે. આવી સ્થિતિમાં, બેન્ક તમારી પાસે લોનની સંપૂર્ણ બાકી રકમની માંગણી કરી શકે છે. જો તમે ઈએમઆઈ નહીં ચૂકવી શકો, તો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરશે. આમ તો, એકાદ હપ્તો ન ભરી શકો તો, બેન્ક તેને વધારે ગંભીર બાબત માનતી નથી, પરંતુ તમારા પર દબાણ વધારી શકે છે. વર્ષ 2002માં અમલી થયેલા સરફાસી કાયદા હેઠળ, બેન્ક પાસે તમારી ગીરવે પડેલી સંપત્તિનો કબજો લઈને તેને વેચવાનો અધિકાર છે. આવી રીતે, બેન્ક તેના પૈસા પાછા મેળવી લે છે.

નિષ્ણાતનું મંતવ્ય
ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે, કોઈ ડિફોલ્ટ થાય, તો બેન્ક તેની સામે તાત્કાલિક આકરાં પગલાં ભરતી નથી, કારણ કે, તેનું કામ પ્રોપર્ટી ખરીદવાનું અને વેચવાનું નથી. એક ઋણદાતા તરીકે તેનો હેતુ ઋણની સમયસર વસૂલાત કરવાનો હોય છે. બેન્ક તમારી કબજે લીધેલી પ્રોપર્ટી વેચતાં પહેલાં શક્ય એટલા તમામ વિકલ્પ દ્વારા પૈસા પાછા મેળવવાના પ્રયાસ કરે છે.

બળવંત જૈન કહે છે કે, જો બેન્ક તમારી સંપત્તિ કબજે કરીને વેચી દે, તો તેનો અર્થ એવો નથી કે તમારી સમસ્યાનો અંત આવી ગયો. જો તમારી સંપત્તિ વેચ્યા પછી મળનારી રકમ બાકી લોન કરતાં ઓછી હશે, તો તમારે તેની ચુકવણી કરવી પડશે. જો સંપત્તિ વેચીને મળેલી રકમ તમારી બાકી લોન કરતાં વધારે હશે, તો બેન્ક તમને આ વધારાની રકમ આપી દેશે, પણ આવી સ્થિતિમાં તમારે કેપિટલ ગેઈન ટેક્સ પણ ભરવો પડશે. હોમ લોન લીધાના પાંચ વર્ષની અંદર મકાન વેચાઈ ગયું હોય, તો કલમ 80સી હેઠળ ભૂતકાળમાં લીધેલા તમામ લાભ પરત કરવા પડશે.

સિબિલ પર કેવી અસર પડે છે?
નિયમ પ્રમાણે, ઋણની લેવડદેવડ અને ડિફોલ્ટની માહિતી CIBIL જેવી એજન્સીઓને આપવી જરૂરી છે. સ્વાભાવિક છે કે, સિબિલમાં તમારા ડિફોલ્ટની માહિતી પણ નોંધાઈ જશે, એટલે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે. આથી, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની લોન લેવામાં તમને તકલીફ પડશે. ભવિષ્યમાં તમારે લોન તેમજ ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા લેવામાં મુશ્કેલી અનુભવવી પડશે.

બેન્ક શું પગલાં ભરશે?
કાયદા પ્રમાણે, બેન્કોને ઘરનો કબજો મેળવવાનો અધિકાર મળે છે. આવી સ્થિતિમાં, તમે લોન આપનાર કે તેના પ્રતિનિધિ સામે વિરોધ કરો તે નકામું છે. આ લોકો તો કાયદાનું પાલન કરે છે, આથી, તમારે તેમની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. જો તમારું વર્તન સારું હશે, તો બેન્ક પ્રતિનિધિને તમારા પ્રત્યે સહાનુભૂતિ થશે અને કદાચ તે તમને મદદરૂપ પણ થઈ શકે છે. સામાન્ય સંજોગોમાં તો, બેન્કો ઘરનો કબજો મેળવીને તેને વેચવા કરતાં એક વ્યવહારુ સમાધાન કરવાનો પ્રયાસ કરે છે.

તમારી પાસે છે ક્યા વિકલ્પ?
તમે જાતે પણ પોતાની લોનનો નીવેડો લાવી શકો છો. જો તમને એવું લાગતું હોય કે, બેન્કે અપનાવેલો વિકલ્પ વ્યવહારુ નથી, તો તમે બેન્કના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સંપત્તિનું વેચાણ બેન્ક દ્વારા કરવા કરતાં પોતાની મેળે કરવાનો પ્રયાસ કરો. આવી રીતે, તમે સંપત્તિનો મહત્તમ ભાવ પણ મેળવી શકશો.
જો બેન્કનું દેવું ચૂકવી દીધા પછી તમારી પાસે પૈસા બચતાં હોય તો, એક નાનું ઘર ખરીદવાની શક્યતા પણ ચકાસી શકો છો. જો તમે પોશ કે મોંઘા વિસ્તારમાં રહેતા હોવ, તો કોઈ સામાન્ય એરિયામાં રહેવા અંગે વિચારવું જોઈએ. ત્યાં તમને સસ્તું ઘર મળી જશે.

મની નાઈનની સલાહ
જો મકાન કે દુકાન ખરીદવા માંગતા હોવ તો, લોન ભરવાની ક્ષમતાનું ખાસ ધ્યાન રાખો. ત્રેવડ મુજબ ખરીદી કરો. લોન લેતાં પહેલાં તેની ચુકવણી કેવી રીતે કરશો, તેનો પ્લાન એ અને પ્લાન બી બનાવીને રાખો. હોમલોનની ચૂકવણી ન કરવી એ એક ગંભીર સમસ્યા છે. આથી તેને નિયમિત રીતે ભરવાના તમામ પ્રયાસ કરો.

આ પણ જુઓ

શું છે Interest Only હોમ લોન?

આ પણ જુઓ

કેવી રીતે જલદી સમાપ્ત કરી શકો છો હોમ લોનનો બોજ?