MONEY9: શું તમને ખબર છે લોન અંગે વારંવાર પુછપરછ કરવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર બગડે છે?

|

Mar 17, 2022 | 4:51 PM

લોન લેવામાં ક્રેડિટ સ્કોરનું કેટલું છે મહત્વ? અમે તમને એવી વાત જણાવીશું જે તમારા ક્રેડિટ સ્કોરને સુધારી અથવા બગાડી શકે છે. એક વાત તો સાચી જ છે કે, તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો જ તમને ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મળી શકશે.

આજે આપણે વાત કરીશું લોન મેળવવામાં તમારા ક્રેડિટ સ્કોર (CREDIT SCORE)ના એટલે કે સિબિલ (CIBIL)ના મહત્વની. અમે તમને સમજાવીશું કે કેવી રીતે તમે સારો ક્રેડિટ સ્કોર બનાવી શકો છો. કારણ કે, ખરાબ ક્રેડિટ સ્કોર તમારી અને તમારી (LOAN) લોનની વચ્ચે ઉભેલો એક વિલન છે, જે લોન લેવાના તમારા સપના પર પાણી ફેરવી શકે છે. જો તમે આ વિલનને હરાવવા માંગો છો તો તમારે તમારા આર્થિક વ્યવહારને તંદુરસ્ત રાખવો પડશે. જાણો એવી પાંચ વાત, જે તમારા ક્રેડિટ સ્કોરને સુધારી અથવા બગાડી શકે છે.

1) શું તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો?

જો જવાબ હા હોય તો, બીજો સવાલ કે શું તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર કરો છો? આનો “ના”માં જવાબ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણકે તમારું ક્રેડિટનું પેમેન્ટ તમારા ક્રેડિટ સ્કોરમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. ક્રેડિટ કાર્ડને પ્લાસ્ટિક મની કહે છે અને લોકો તેનો ઉપયોગ મિની લોન લેવા માટે પણ કરે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ તમને મન મૂકીને પૈસા ખર્ચવાની સુવિધા આપે છે અને સાથે તેની ચૂકવણી માટે 45 દિવસ સુધીનો સમય પણ આપે છે.

પરિણામે, બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો આ બિઝનેસ ધૂમ ચાલી રહ્યો છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા પણ તેજીથી વધી રહી છે પણ ક્રેડિટ કાર્ડના ઉપયોગ બાબતે તમારે સાવચેતી રાખવાની છે. જો તમે ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં એક દિવસનો પણ વિલંબ કરશો તો તમારો ક્રેડિટ સ્કોર ગબડવાનું શરૂ થઈ જશે. એટલા માટે અત્યંત જરૂરી છે કે માત્ર “મિનિમમ ડ્યૂ પેમેન્ટ” કરવાની ટેવ ના પાડશો. આથી, એક બાબત નિશ્ચિત કરી લો કે તમે જે ક્રેડિટ કાર્ડ પર ઉધાર લઈને ખર્ચ કરશો, તેની ચૂકવણી સમયસર કરી દેશો. મિનિમમ ડ્યૂ પેમેન્ટની ટેવ ન પાડશો, નહીંતર આના ચક્કરમાંથી નીકળવાનું મુશ્કેલ થઈ જશે અને બેન્કો કે ક્રેડિટકાર્ડ કંપનીઓ તમારી પાસેથી તગડું વ્યાજ વસૂલતી રહેશે.

2) ક્રેડિટ યુટિલાઈઝેશનનું ધ્યાન રાખો

આ માપદંડ તમારા ક્રેડિટ સ્કોરમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. ક્રેડિટ યુટિલાઈઝેશનનો અર્થ છે કે તમે તમારી ક્રેડિટનો ઉપયોગ કેટલી મર્યાદામાં કરો છો. ક્રેડિટ કાર્ડના કિસ્સામાં જોવામાં આવે છે કે કાર્ડની લિમિટ કેટલી છે અને શું તમે તેનો પૂરો ઉપયોગ કરો છો? આવી જ રીતે લોનના કિસ્સામાં જોવામાં આવે છે કે તમારું કેટલું લોન બેલેન્સ બાકી છે અને કેટલું ચૂકવી દીધું છે. જો ક્રેડિટના 30 ટકા સુધીનો જ ઉપયોગ કરવામાં આવે તો તે તમારી તરફેણમાં ગણાશે.

3) તમે કેટલા ક્રેડિટ હંગરી કસ્ટમર છો?

વારંવાર લોનની ઈન્ક્વાયરી કરશો તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે અને એવું લાગશે કે તમે ખૂબ જ ક્રેડિટ હંગરી છો, એટલે કે લોનના ભૂખ્યા છો. વારંવાર ઈન્ક્વાયરી કરશો તો તમે ક્રેડિટ હંગરી કન્ઝ્યુમરની શ્રેણીમાં મૂકાઈ જશો, એટલે કે તમે લોન લેવા માટે વલખાં મારી રહ્યાં છો. તમે જેટલી વખત ઈન્ક્વાયરી કરશો તેટલી વખત લોન આપનાર કંપની તમારા ક્રેડિટ સ્કોરની ચકાસણી કરશે. ક્રેડિટ સ્કોર કંપનીઓના રેકોર્ડમાં પણ નોંધાઈ જશે કે, તમારા સ્કોરને વારંવાર ચકાસવામાં આવી રહ્યો છે. એટલે કે, તમે લોન લેવા માટે એક બેન્કથી બીજી બેન્કના દરવાજા ખખડાવી રહ્યાં છો પણ કોઈ તમને લોન નથી આપી રહ્યું. આવા પ્રકારના વલણને ક્રેડિટ સ્કોરમાં 20 ટકા હિસ્સો આપવામાં આવ્યો છે.

4) ક્રેડિટ મિક્સ

તે દર્શાવે છે કે તમે કેટલા પ્રકારની લોન લીધેલી છે? તમે લીધેલી તમામ લોનમાંથી એવી કેટલી લોન છે જેમાં તમારી સંપત્તિ ગીરવે પડી છે. જેમ કે હોમલોન અને કાર લોન, જેને સિક્યોર્ડ લોન કહેવામાં આવે છે. પછી આવે છે, બંધન વગરની લોન, જેવી કે પર્સનલ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અથવા એજ્યુકેશન લોન, જેને અનસિક્યોર્ડ લોન કહે છે. આ બંનેના ગુણોત્તર વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. ક્યાંક એવું ના થાય કે તમારા માથે એક મોટી હોમ લોનની જવાબદારીનો બોજ પહેલેથી જ હોય અને તમે તેનો તોતિંગ હપ્તો ભરી શકતા ન હોવાથી લોનના પુનર્ગઠન એટલે કે રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરી હોય અને છતાં પણ તમે એક પર્સનલ લોન લીધી હોય તો આવી સ્થિતિમાં તમારું ક્રેડિટ મિક્સ યોગ્ય ના કહેવાય. ક્રેડિટ સ્કોરનો 10 ટકા હિસ્સો ક્રેડિટ મિક્સના આધારે નક્કી થાય છે.

5) લોન ગેરન્ટર બનવાથી દૂર રહેવું

ભાઈબંધી અને દોસ્તીમાં કોઈ ઓળખીતાના કે ઓફિસના સહ-કર્મચારીના લોન ગેરન્ટર બની જશો અને જો તમારો મિત્ર ડિફોલ્ટ કરશે તો તમારી ભાઈબંધી કોઈ કામમાં નહીં આવે અને તમારો ક્રેડિટ સ્કોર બગડી જશે. આવા પ્રકારના ડિફોલ્ટથી તમારા ક્રેડિટ સ્કોર પર 10 ટકા સુધી અસર પડી શકે છે તો આ પાંચ વાતોનું ધ્યાન રાખો અને એક સારો ક્રેડિટ સ્કોર હાંસલ કરવાની દિશામાં આગળ વધો.

મની નાઈનની સલાહ

પોતાના ક્રેડિટ સ્કોરને લઈને સાવચેત રહો. નાનકડી ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ચાદર જેટલી લાંબી હોય તેટલા જ પગ પહોળા કરો. આ જ નિયમ ક્રેડિટ કાર્ડ માટે પણ અમલમાં મૂકો. ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરતાં પહેલાં પોતાને એક સવાલ અવશ્ય પૂછો કે શું આ ખરીદીની વાસ્તવમાં જરૂર છે? આટલું વિચારવા પાછળ ખર્ચેલી થોડીક ક્ષણો તમને મોટી બચત કરાવી શકે છે. એક સારા ક્રેડિટ સ્કોર માટે પોતાના તમામ આર્થિક વ્યવહારોની ચકાસણી કરતા રહો.

આ પણ જુઓ: ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને!

આ પણ જુઓ: કેમ બધાને અલગ-અલગ વ્યાજ દરે મળે છે લોન?

Published On - 4:46 pm, Thu, 17 March 22

Next Video