MONEY9: શું શેરમાર્કેટમાં મંદીવાળા કબજો જમાવી શકશે? બજારમાં અત્યારે રોકાણકારોએ શું કરવું?

|

Apr 01, 2022 | 8:43 PM

શું મંદીવાળા ભારતીય શેરબજાર પર કબજો જમાવવાની તૈયારીમાં છે? શું બજારમાં ખરેખર મંદી છે? કે માત્ર અમુક શેરમાં મંદી છે? બજારમાં અત્યારે રોકાણકારોએ શું કરવું? આ તમામ સવાલોના જવાબો જાણવા માટે જુઓ આ વીડિયો.

શેરબજાર (STOCK MARKET)ના રોકાણકારો (INVESTOR) અત્યારે એક જ સવાલની ચર્ચા કરતાં નજરે ચઢે છે કે, શું ભારતીય શેરબજાર પર મંદીવાળાએ કબજો જમાવી લીધો છે? શું વિદેશી રોકાણકારો (FOREIGN INVESTORS)ની ભારે વેચવાલીને કારણે તેજીવાળાની હવા નીકળી ગઈ છે? કે પછી બજારમાં થયેલો ઘટાડો માત્ર એક હેલ્ધી કરેક્શન છે? શું આગામી તેજી પહેલાં રોકાણકારો નફો બૂક કરી રહ્યાં છે?

બજારમાં તેજી છે કે મંદી, તેનો આધાર તમારા પોર્ટફોલિયોમાં રહેલાં શેરના પર્ફોર્મન્સ પર રહેલો છે. એટલે કે, જો તમારા પોર્ટફોલિયોમાં એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા બેન્ક જેવી અગ્રણી કંપનીઓના શેર હશે, તો તમને બજારમાં મંદી દેખાશે. કારણ કે, આ તમામ કંપનીના શેર તેમના ટોચનાં લેવલથી 20 ટકા નીચે છે. જ્યારે કોઈ શેર તેની ટોચની સપાટીથી 20 ટકા તૂટી જાય ત્યારે તે શેર મંદીના વમળમાં ફસાઈ ગયો, એમ કહેવાય. નિફ્ટી-ફિફ્ટીની 13 કંપનીની હાલત તો આવી જ છે.

દિગ્ગજ કંપનીઓને જવા દો, આપણે મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ, તેમની હાલત તો અત્યંત ખરાબ છે. બજારની ટૉપ-ફાઈવ હન્ડ્રેડ કંપનીમાંથી 62 ટકા કંપનીના શેર બાવન-સપ્તાહની ઊંચાઈથી 20 ટકા નીચે પહોંચી ગયા છે. જો આ આંકડા સાંભળીને બજારમાં મંદી દેખાવા લાગી હોય, તો જરાક અટકી જાવ અને નિફ્ટી તથા સેન્સેક્સના આંકડા પણ જોઈ લો.

શેરબજારના આ બંને મુખ્ય સૂચકાંક તેમની રેકોર્ડ ઊંચાઈથી માત્ર 7 ટકા નીચે છે. હા, માત્ર 7 ટકા… બંને ઈન્ડેક્સમાં આમ તો, 15થી 16 ટકાનો ઘટાડો થયો હતો.. નિફ્ટીએ 8 માર્ચે 15,671નું તળિયું બનાવ્યું હતું. પરંતુ બાદમાં સારી રિકવરી થઈ. મંગળવારે, એટલે કે 29 માર્ચે નિફ્ટી-ફિફ્ટી 17,325એ બંધ રહ્યો હતો. ગયા વર્ષના ઓક્ટોબરમાં નિફ્ટી 18,604ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો હતો. આમ, કહી શકાય કે, તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેર મંદીવાળાની ઝપટે ચઢ્યા હશે, પરંતુ નિફ્ટી અને સેન્સેકસ પર કબજો જમાવવામાં મંદીવાળાનો પનો ટૂંકો પડ્યો છે.

મંદી પાછળ ક્યા છે કારણો?
વાસ્તવમાં તો, શેરમાં ઘટાડા પાછળ કોઈ એક કારણ હોતું નથી. અમુક કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સના ઈશ્યૂ હોવાથી રોકાણકારોએ વેચવાલી કરી છે, તો અમુક કંપનીના ઊંચા વેલ્યુએશન તેમને ભારે પડ્યા છે. કોમોડિટીની ઊંચી કિંમત અને ક્રૂડ ઓઈલની મોંઘવારીએ ઘણા રોકાણકારોને અમુક શેર વેચવા માટે મજબૂર કર્યા છે.

અમેરિકામાં વ્યાજ દર વધવાની શરૂઆત થતાં જ, વિદેશી રોકાણકારોએ પણ ભારે વેચવાલી કરી છે. વીતેલાં 3 મહિનામાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 1.11 લાખ કરોડથી પણ વધુ રોકાણ પાછું ખેંચી લીધું છે. હવે, સમજીએ સૌથી મહત્ત્વની વાત કે, આ કંપનીઓ ‘બેર માર્કેટ’ની પકડમાંથી ક્યારે બહાર આવશે? બજારના એક્સપર્ટનું માનવું છે કે, આગામી ક્વાર્ટર કંપનીઓ માટે ખૂબ પડકારજનક હશે.

નિષ્ણાતોનું મંતવ્ય
કે.આર. ચોક્સી શેર્સ એન્ડ સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સી કહે છે કે, અત્યાર સુધી તો કંપનીઓની વહારે પહેલેથી ખરીદેલો સસ્તો કાચો માલ આવી જતો હતો, પરંતુ હવે તેમણે મોંઘો કાચો માલ ખરીદીને ઉત્પાદન કરવાનું છે. એટલે તેમના પ્રોફિટ માર્જિન પર અસર પડશે, કારણ કે, કંપનીઓ એક હદ સુધી જ ભાવ વધારીને ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે. આથી, એપ્રિલ-મે-જૂન ક્વાર્ટરમાં કંપનીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રોકાણકારે શું કરવું?
બજાર અત્યારે દિશાહીન લાગી રહ્યું છે, સ્પષ્ટ રસ્તો દેખાતો નથી. તો નિષ્ણાતો સલાહ આપે છે કે, અત્યારે બને તેટલી રોકડ હાથ પર રાખો.સારી કંપનીઓના શેર ધીમે-ધીમે ખરીદતા રહો. વિદેશી રોકાણકારો પાછા ફરશે અને કંપનીઓના માર્જિન સુધરવા લાગશે, એટલે ફરી બજારમાં તેજીનો સૂરજ ઊગશે.

આ પણ જુઓ

શેર-કોમૉડિટીના ખરીદ-વેચાણમાં લાગે છે આટલી જાતના ચાર્જ

આ પણ જુઓ

શું એકથી વધુ ડિમેટ ખોલાવવા જોઇએ?

Next Video