Dollar Vs Rupee : ગુરુવારે અમેરિકી ચલણ સામે રૂપિયો નબળો પડ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ(Federal Reserve)ની તાજેતરની બેઠકમાં નીતિગત દરોમાં વહેલી તકે વૃદ્ધિના સંકેત આપ્યા બાદ વિદેશી બજારોમાં ડોલર (dollar)ની મજબૂતાઈ પર રૂપિયાના વિનિમય દર(Rupee exchange rate ) માં ઘટાડો થયો હતો. બજારના નિષ્ણાતોએ વર્ષ 2022માં રૂપિયામાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઘટાડા સાથે 74.44 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે વધીને 74.51 અને ઘટીને 74.32 પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે યુએસ ડોલર સામે તે ચાર પૈસા ઘટીને 74.42 પર બંધ થયો હતો. અગાઉના સત્રમાં રૂપિયો પ્રતિ ડૉલર રૂ. 74.38 પર બંધ થયો હતો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ જે છ કરન્સી સામે ડૉલરનું પ્રતિનિધિત્વ કરે છે તે 0.05 ટકા વધીને 96.22 પર પહોંચ્યો હતો. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની બેઠકની વિગતો દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ મોંઘવારી ઘટાડવા અપેક્ષા કરતાં વહેલા વ્યાજદરમાં વધારો કરી શકે છે અને તેના કારણે સ્થાનિક બજારમાંથી ભંડોળ પાછું ખેંચી શકાય છે.
ફેડરલ રિઝર્વની 14-15 ડિસેમ્બરની બેઠકની વિગતો અનુસાર નીતિ નિર્માતાઓ માને છે કે યુએસ જોબ માર્કેટ સારી સ્થિતિમાં છે અને અત્યંત નીચા વ્યાજદર જાળવી રાખવાની જરૂર નથી. એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વની તાજેતરની બેઠકના પગલે પોલિસી રેટમાં ઝડપી વધારાના સંકેતોને કારણે મોટાભાગની એશિયન કરન્સી સામે ડોલર મજબૂત થયો છે. ડૉલરની મજબૂતાઈએ અન્ય એશિયન કરન્સીની સાથે રૂપિયો પણ નબળો પાડ્યો હતો પરંતુ તેની ગતિ પ્રમાણમાં ધીમી હતી કારણ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને તેના ડૉલર બોન્ડ્સ માટે સારો પ્રતિસાદ મળ્યો છે.
નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી શકે છે હાલના સ્તરથી રૂપિયો 3 થી 4 ટકા ઘટી શકે છે. એસ્કોર્ટ્સ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલના જણાવ્યા અનુસાર રૂપિયાની ચાલ ફેડરલ રિઝર્વના સંકેતોના આધારે નક્કી કરવામાં આવશે. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારા અને ડોલરમાં વધારાને કારણે રૂપિયો વધુ નબળો પડી શકે છે અને ઘટાડા સાથે 2022માં સ્થાનિક ચલણ 79 થી 80ને સ્પર્શી શકે છે. તેમના મતે વર્ષ 2022માં ની કામગીરી પર દબાણ જોવા મળશે.
આ પણ વાંચો : Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી