
વિશ્વની અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટ (Microsoft) ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે. કંપની તેના કુલ કર્મચારીઓમાંથી 2.5 ટકા કરતાં ઓછા હિસ્સાની નોકરી ખતમ કરી શકે છે. જો કે, આ ટકાવારી ઓછી છે પરંતુ Microsoft માં કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે તેનાથી હજારો લોકો પ્રભાવિત થઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા અઠવાડિયા સુધીમાં કંપની આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી શકે છે. હાલમાં Microsoft દ્વારા આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી નથી.
રોઇટર્સના અહેવાલ મુજબ, 30 જૂન સુધીમાં Microsoft પાસે વિશ્વભરમાં આશરે 2 લાખ 28 હજાર ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. જો કંપની 2.5 ટકા કરતાં ઓછા કર્મચારીઓની પણ છટણી કરે છે, તો હજારો લોકોની નોકરી જઈ શકે છે.
હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કુલ કેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે પરંતુ અલગ-અલગ બિઝનેસ યુનિટના કર્મચારીઓ આની લપેટમાં આવી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે સૌથી વધુ અસર સેલ્સ અને કન્સલ્ટિંગ ડિવિઝન પર જોવા મળી શકે છે. આ વિભાગોમાં કેટલાય પદો નાબૂદ કરવામાં આવી શકે છે. કંપની પોતાના ખર્ચને ઘટાડવા અને કામકાજને વધુ અસરકારક બનાવવા તરફ પગલાં ભરી રહી છે. આ જ વ્યૂહરચના હેઠળ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવવામાં આવી રહી છે.
Microsoft નો ગેમિંગ બિઝનેસ Xbox પણ આ છટણીમાંથી બાકાત નહીં રહે. અહેવાલ અનુસાર, Xbox ટીમમાં પણ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવી શકે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કંપની ગેમિંગ બિઝનેસમાં ખર્ચ ઘટાડવા માટે માર્કેટિંગ બજેટ અને અન્ય ખર્ચાઓમાં પણ કાપ મૂકી રહી છે. તાજેતરમાં જ Microsoft દ્વારા કેટલાય દેશોમાં Xbox કન્સોલની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
આ પહેલીવાર નથી, જ્યારે Microsoft કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. જુલાઈ 2025માં કંપનીએ તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી આશરે 4 ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ જણાવ્યું હતું કે, બિઝનેસને નવા સ્વરૂપે સંગઠિત કરવા અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં Microsoft ઘણી વખત છટણી કરી ચૂકી છે.
માત્ર Microsoft જ એવી કંપની નથી કે, જે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. Meta અને Amazon સહિત ઘણી મોટી ટેક કંપનીઓ પણ આ વર્ષે છટણી કરી ચૂકી છે. Meta એ તેના કર્મચારીઓની સંખ્યામાં આશરે 10 ટકા સુધીનો કાપ મૂકવાની યોજના બનાવી છે.
બીજી તરફ, Amazon દ્વારા પણ વિશ્વભરમાં આશરે 16 હજાર નોકરીઓ ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીઓ એક તરફ ખર્ચ ઘટાડી રહી છે અને બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પર મોટું રોકાણ કરી રહી છે.